જય શાહે વર્લ્ડ કપ માટે ગુજરાતને પ્રાધાન્ય આપ્યું : TMC

અમદાવાદઃ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેએ આરોપ લગાવ્યો હતો કે BCCI સચિવ જય શાહે પાંચ ઓક્ટોબરથી શરૂ થતા વર્લ્ડ કપ માટે સ્ટેડિયમને પસંદ કરવામાં ગુજરાતને અન્ય રાજ્યોની તુલનામાં પ્રાથમિકતા આપી છે, કેમ કે તેઓ ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને યજમાન ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ વિશ્વ કપના કાર્યક્રમની ઘોષણા કરી છે, જેમાં વિપક્ષના કેટલાક નેતાઓએ રાજકીય હસ્તક્ષેપનો સંકેત આપ્યો છે અને અમદાવાદને મોટી મેચની યજમાની આપવા પર સવાલ ઉઠાવ્યા છે, જ્યારે કેટલાંય અન્ય રાજ્યોને કોઈ પણ મેચ નથી મળી.

TMCના પ્રવક્તા સાકેત ગોખલેએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે IPL2023નો પ્રારંભ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા, ક્રિકેટ વર્લ્ડ કપ-2023નો પ્રારંભ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, ક્રિકેટ વિશ્વ કપ 2023ની ફાઇનલ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે જય શાહ- BCCI સેક્રેટરી અને અમિત શાહનો પુત્ર- તેમણે ગુજરાતને અન્ય રાજ્યોની તુલનામાં હંમેશાં પ્રાથમિકતા આપી છે.

વર્લ્ડ કપનો પ્રારંભ પાંચ ઓક્ટોબરે અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ગલેન્ડ અને ગયા વખતના રનર-અપ ન્યુ ઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ રમાશે. ટીમ ઇન્ડિયાની પહેલી મેચ આઠ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈમાં રમાશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચેની રસપ્રદ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ પણ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.