આદિત્ય ઠાકરેની કાર સાથે મોટરબાઈક અથડાઈ; સદ્દભાગ્યે કોઈને ઈજા નથી થઈ

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નેતા અને યુવાસેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેની કાર સાથે આજે દાદરમાં એક મોટરબાઈક અથડાઈ હતી. આ ઘટના દાદર (વેસ્ટ)માં શિવસેના ભવન નજીક જ બની હતી. સદ્દનસીબે આ ઘટનામાં કોઈને પણ ઈજા નથી થઈ. સંબંધિત યુવકને પોલીસે તાબામાં લીધો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી છે.

ઉક્ત ઘટના આજે બપોરે બની હતી. આદિત્ય ઠાકરે શિવસેના ભવનમાં જવા માટે એમની કારનો ટર્ન લેવાની તૈયારીમાં હતા ત્યાં જમણી બાજુએ એક મોટરબાઈક જોરથી એની સાથે અથડાઈ હતી. પોતાની બાઈક કાર સાથે અથડાશે એવો ખ્યાલ બાઈકચાલકને આવી ગયો હતો, એણે કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તોય એની બાઈક કાર સાથે અથડાઈ પડી હતી. એ યુવક બાઈક પરથી પડતા પડતા રહી ગયો હતો. ત્યારબાદ આદિત્ય ઠાકરેના સુરક્ષારક્ષકો અને પોલીસો તરત જ ત્યાં દોડી ગયા હતા. ગભરાઈ ગયેલા યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસોએ એને તરત તાબામાં લઈ લીધો હતો.

તે ઘટના બાદ આદિત્ય એમની કારમાંથી ઉતરીને શિવસેના ભવનમાં ગયા હતા. એમણે સ્થાનિક શાખાપ્રમુખને સંબંધિત યુવક વિશે તપાસ કરવાનું કહ્યું હતું.