GTUમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પરિષદ આઇકોન 2019

અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી પહેલીવાર મેનેજમેન્ટ, ફાર્મસી અને એન્જીનિયરીંગની એકસાથે આંતરરાષ્ટ્રીય પરિષદ – આઇકોન 2019 અમદાવાદ ખાતેના ચાંદખેડા કેમ્પસમાં યોજવામાં આવશે. 14મીથી 16મી માર્ચ દરમિયાન યોજાનારી આ પરિષદમાં દેશ-વિદેશના આશરે એક હજારથી વધુ નિષ્ણાતો ભાગ લેશે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે એન્જીનિયરીંગ અને ટેકનોલોજીને લગતા સંશોધનો મારફતે વૈજ્ઞાનિક ક્રાન્તિ વિશે નિષ્ણાતો વક્તવ્ય આપશે, ચર્ચાસત્ર યોજાશે અને રિસર્ચ પેપરો રજૂ કરવામાં આવશે. ફાર્મસી વિશે યોજવામાં આવનાર પરિષદમાં દર્દીઓની સારસંભાળ માટે ગુણવત્તા સભર દવાઓ વિશે મનોમંથન કરવામાં આવશે. મેનેજમેન્ટ વિભાગની પરિષદમાં વૈશ્વિક બિજનેસ મેનેજમેન્ટ વિશે વિચારવિમર્શ કરવામાં આવશે.

આઇકોન 2019 અંતર્ગત શિક્ષણ જગત અને ઉદ્યોગ જગતના નિષ્ણાતોની લેટેસ્ટ ટ્રેન્ડ તથા ટેકનોલોજી વિશે ચર્ચા થશે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ પરિષદમાં અમેરિકા, યુરોપ અને કેનેડા સહિતના વિવિધ દેશોના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો ભાગ લેશે. પરિષદમાં નિષ્ણાતોની ચર્ચા બાદ પ્રાપ્ત થનાર ભલામણો  સંલગ્ન સરકારી વિભાગોને પાઠવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.