અમદાવાદઃ ભારતીય સેનાએ કુદરતી આપદાના સમયે લોકોને થનારી સંભવિત મુશ્કેલીઓને હળવી કરવાના મક્કમ સંકલ્પને અનુરૂપ -ગુજરાત તરફ આવી રહેલા ભયંકર ચક્રવાત ‘બિપરજોય’ જમીન વિસ્તારમાં ત્રાટકે એ પછી સ્થાનિકોને સહાય પૂરી પાડવા માટે તૈયારી કરી લીધી છે.
રાજ્યના ભૂજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા અને ગાંધીનગરમાં તેમ જ નલિયા, દ્વારકા અને અમરેલીમાં સમુદ્રકાંઠા તરફનાં સ્થળોએ પૂર રાહત કોલમનું રિહર્સલ કરવામાં આવ્યું છે અને તેને તૈયાર રાખવામાં આવ્યા છે. સેનાના સત્તાધીશોએ નાગરિક પ્રશાસન તેમજ NDRF સાથે સંયુક્ત રીતે રાહત કામગીરીનું આયોજન કર્યું છે. આ સંવાદથી આપદા વ્યવસ્થાપન સાથે સંકળાયેલી તમામ એજન્સીઓને તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવા અને એકબીજા પાસેથી લાભ મેળવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે. મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભારતીય સેનાના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને કટોકટીના સમયે સંપૂર્ણ સમર્થનનું વચન આપ્યું હતું.
આ વાવાઝોડા દરમ્યાન ફૂંકાનારા તોફાની પવનો અને ભારે વરસાદને પગલે ઓછું નુકસાન થાય તેની ખાતરી કરવા માટે પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.