વડોદરાઃ કોરોના વાયરસે વિશ્વ આખામાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસે બટાઝટી બોલાવી છે અને ગુજરાતમાં પણ પરિસ્થિતિ વણસી રહી છે. સરકાર દ્વારા કોરોના વાયરસના કેસો ન વધે તે માટેના મજબૂત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરાનું એક ગામ એવું છે કે જેણે કોરોના વાયરસને અટકાવવા માટે ખૂબ સારા પ્રયત્નો કર્યા છે. આ ગામ ખરેખર એક લોકજાગૃતિનો દાખલો બેસાડી રહ્યું છે. આ ગામમાં દર અઠવાડીયે ટ્રેક્ટર દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવે છે.
વડોદરા તાલુકાનું સારી એવી વસતી ધરાવતું મોટું ગામ અનગઢ કોરોનાનો ચેપ ફેલાય નહી તે માટે લોક જાગૃતિનું દાખલો બેસે એવું કામ કરી રહ્યું છે. લોકડાઉનના ચુસ્ત અમલમાં ગામલોકોનો પ્રોત્સાહક સહયોગ મળી રહ્યો છે.
અનગઢ ગામના યુવા સરપંચ રાજુભાઈ ગોહિલ જણાવે છે કે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓ પ્રમાણે શરૂઆતથી જ લોક ડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. રાત્રે કે દિવસે કોઈ અજાણી વ્યક્તિ ગામમાં પ્રવેશે નહી કે ગામની વ્યક્તિ અનિવાર્ય કારણ વગર ગામ બહાર જાય નહી એની તકેદારી રાખવામાં આવે છે.ગામમાં પ્રવેશવાના રસ્તા નજીક જે ઘરો આવેલા છે એ ઘરોનાં લોકોએ જ પ્રવેશ નિયંત્રણની દેખરેખ રાખવાની જવાબદારી લીધી છે. બહારના કોઈ વ્યક્તિ આવે કે કોઈ ચહેલ પહેલ જણાય તો તુરત જ સરપંચને,પોલીસને કે આરોગ્ય ટીમને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.
ગ્રામ પંચાયત દ્વારા દર અઠવાડિયે ગામમાં ટ્રેકટર દ્વારા સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવે છે. દૂધ મંડળી અને મંદિર જેવા જાહેર સ્થળોએ લોકોને ભેગા થવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને લોકોને એક બીજા સાથે હાથના મિલાવવા સહિત જરૂરી તકેદારી પાળવાની સમજણ આપવામાં આવી છે.
ગામના ત્રણ વ્યકિતઓને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા તે દરમિયાન કોઈ એમને મળે નહી, એ કોઈને મળે નહી અને એમના પરિવારજનો પણ એમનાથી અંતર રાખે એની તકેદારી લેવામાં આવી છે. આરોગ્યકર્મી અને પોલીસમિત્રને સંકલિત ફરજો બજાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
કોરોનાને ફેલાતો અટકાવવો એ જ એનો શ્રેષ્ઠ ઈલાજ છે. એટલે જ સરકારને લોક ડાઉન કરવાની ફરજ પડી છે. ગામ લોકોના સહયોગથી અને ગામને નિરોગી રાખવા અનગઢમાં એનું પાલન કરવામાં આવી રહ્યું છે.