રાજ્યમાં એક જ રૂમમાં ચાલતી 300થી વધુ પ્રાથમિક સ્કૂલ

ગાંધીનગરઃ રાજ્યમાં 341 પ્રાથમિક સ્કૂલ એવી છે, જેને એક જ ક્લાસથી સંચાલિત કરવામાં આવે છે અને ડિસેમ્બર, 2023 સુધી શિક્ષણ વિભાગમાં વહીવટી અધિકારીઓના 1400 પદો ખાલી હતાં, એની માહિતી રાજ્ય સરકારે વિધાનસભામાં આપી હતી.

આ બધાં તથ્યો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક લેખિત પત્રમાં આપી હતી. તેમણે બજેટ સત્રમાં કોંગ્રેસ વિધાનસભ્ય કિરિટ પટેલ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના આ બધા જવાબો આપ્યા હતા.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે એક જ વર્ગ હોવાનું મુખ્ય કારણ વર્ગોનો વિધ્વંસ, વિદ્યાર્થીઓની ઓછી હાજરી અને નવા વર્ગના નિર્માણ માટે જમીનની અછત છે. તેમણે વિધાનસભાને આશ્વાસન આપ્યું હતું કે આ સ્કૂલોમાં ટૂક સમયમાં નવા વર્ગો બનાવવામાં આવશે. વિધાનસભ્ય પટેલે ગુજરાત શિક્ષણ સર્વિસ કેડર-ક્લાસ એક અને ક્લાસ બેની ખાલી પોસ્ટ પર પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં 781 પદો પર ભરતી થઈ ગઈ હતી, જ્યારે 1459 પદો હજી પણ ખાલી છે. તેમણે કહ્યું હતું કે આ પદોને ટૂંક સમયમાં પ્રમોશ અથવા સીધી ભરતી દ્વારા ભરવામાં આવશે.

પટેલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારમાં ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા ઝડપથી બગડી છે. ગુજરાત શિક્ષણને મામલે અન્ય રાજ્યોની તુલનામાં ક્યાંય ઊભું નથી. સરકાર માત્ર પબ્લિસિટી કરવા અને રાજ્યને મોડલ સ્ટેટ દેખાડવામાં સારી છે, પણ વાસ્તવિકતા જુદી છે.

પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2023 મુજબ રાજ્યના પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષણ લેતાં 25 ટકા બાળકોને યોગ્ય રીતે ગુજરાતી વાંચતા પણ નથી આવડતું, જ્યારે 47 ટકા બાળકોને અંગ્રેજી વાંચતા નથી આવડતું. વળી ગુજરાત શિક્ષણ ક્ષેત્રની યાદીમાં પહેલા પાંચ રાજ્યોમાં પણ નથી આવતું, એમ તેમણે કહ્યું હતું.