ભાજપમાં નનામા પત્રથી ખળભળાટ, આ નેતાઓ સામે ગંભીર આક્ષેપ

અમદાવાદમાં ભાજપની ગ્રહદશા સારી નથી ચાલી રહી. એક નનામા પત્રથી અમદાવાદ ભાજપમાં ખળભળાટ થઈ ગયો છે. હકીકતમાં મણિનગર વિધાનસભાના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ, કોર્પોરેટરને નનામો પત્ર મળ્યો છે. જેમાં ભાજપના ચાર નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

બીજેપી કાર્યકર્તાના નામે લખાયેલા આ પત્રમાં પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમૂલ ભટ્ટ વિરુદ્ધ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દંડકના પતિ આનંદ ડાગા અને વિપુલ સેવકના નામનો પણ ઉલ્લેખ છે. પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ માટે પત્રમાં લંપટસ્વામી શબ્દનો ઉલ્લેખ કર્યો છે, તો ધર્મેન્દ્ર શાહ AMTSમાં, કચરા ઉપાડવાની ગાડીઓમાં કોન્ટ્રાકટ ધરાવતા હોવાના આક્ષેપ છે. ધારાસભ્ય અમૂલ ભટ્ટ માટે લાળપાડુ જેવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિપુલ સેવક હાલમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે ફરજમાં છે. આગળ વધુ ખુલાસા કરવામાં આવશે તેવી પત્રમાં ચીમકી પણ આપવામાં આવી છે.

જોકે બીજી તરફ વાયરલ પત્ર મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવેનું પણ નિવેદન સામે આવ્યુ છે. એમનું કહેવુ છે કે, મારા ધ્યાને આવો કોઈ પત્ર આવ્યો નથી. કદાચ કોઈના કામ ન થયા હોય એમણે પત્ર લખ્યો હોઈ શકે. વ્યક્તિ સાચી હોય તો અરજી કરે,  નામ વગરના પત્ર ન લખે. પત્ર અમારા ધ્યાને આવશે તો તપાસ કરવામાં આવશે.