વિધાનસભ્યો માસ્ક ન લગાવે તો દંડ 500, જનતાને 1000 કેમ?

અમદાવાદઃ રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એક બાજુ રાજ્યનાં આઠ શહેરોમાં સ્કૂલો-કોલેજોને 10 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. અમદાવાદમાં જાહેર બસોની આવ-જા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેથી સંક્રમણ ફેલાતું અટકે, શહેરમાં બાગ-બગીચા, જિમ અને ક્લબ પણ બંધ કરવામાં આવ્યાં છે. કોરોનાના વધતા કેસોને લીધે મોટા શહેરોમાં ફરી એક વાર માસ્ક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. માસ્ક ન પહેરનારા પાસેથી રૂ. 1000નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

હાલના દિવસોમાં રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં માસ્ક ન પહેરનારા પ્રધાનો અને વિધાનસભ્યો અને અધિકારીઓ પર પણ દંડની ઘોષણા કરવામાં આવી છે. જોકે આ લોકોને માસ્ક ન પહેરા બદલ રૂ. 500નો દંડ વસૂલવામાં આવશે. જોકે આ નિયમ સામાન્ય જનતા માટે છે, પણ સામાન્ય જનતા પાસે બે ગણી દંડની રકમ વસૂલવામાં આવે છે. જોકે રાજ્યની જનતા પૂછી રહી છે કે આવી બેવડી નીતિ કેમ?  

વિધાનસભા પ્રાંગણમાં માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ વસૂલવાની વાત પર વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે આ નિયમ વિધાનસભાના પ્રાંગણ માટે બનાવવામાં આવ્યો છે, કેમ કે કોરોનાના કેસમાં ઘણો વધારો થયો છે. જો કોઈ નેતા વિધાનસભ્ય  વગર માસ્કે ફરી રહ્યા હશે તો તેમને આ નિયમ હેઠળ સખતાઈથી દંડ વસૂલવામાં આવશે.  સરકારે રાજ્યના લોકો પાસેથી માસ્કના દંડ સ્વરૂપે રૂ. 114 કરોડ દંડ વસૂલ્યો છે અને એમાંથી સૌથી વધુ અમદાવાદના પાંચ લાખ લોકો પાસેથીરૂ. 30.7 કરોડ દંડ રૂપે વસૂલવામાં આવ્યા છે.