સકારાત્મક ઊર્જા વધારવા વાસ્તુમાં કોઈ ઉપાય ખરો?

જેમ દરેક જગ્યાએ પાણી સપાટી પરથી તો સરખું જ લાગે છે તેવી રીતે જ દરેક માણસ બહારથી તો એક સરખા જ લાગે છે. અંદરથી કેટલું ઊંડાણ છે અને કેટલું છીછરાપણું એ જાણવા મહેનત કરવી પડે છે. એ મહેનત કરવાની મોટાભાગે કોઈની તૈયારી નથી. ભાગતી દુનિયામાં ટોળાનો કાયદો ન આવી જાય એ જોવું જરૂરી છે. અન્યને નીચા દેખાડીને પોતાનો કક્કો સાચો કરનાર એ ભૂલી જાય છે કે જે ચિતોડગઢ મીરાનું સન્માન ન સાચવી શક્યો એ આજે ખંડેર છે. એના ઇતિહાસમાં વેદના વધારે છે. ઈશ્વરનો ન્યાય બધેજ સરખો છે. ખોટું કરીને વિદેશ જતા રહેવાથી કર્મનો સિદ્ધાંત ભૂંસાઈ નથી જતો. સાચા માણસોના જીવન કઠીન હોય છે પણ એમની ગતિ સરળ હોય છે. સોનાની લંકામાં રાક્ષસો રહેતા હતા અને મય સભામાં કોઈ રહી નહતું શક્યું, કારણકે એની ઉર્જા યોગ્ય ન હતી. સકારાત્મક ઉર્જા સરળ વ્યક્તિત્વ આપી શકે છે. આજે કેટલાક વાચકોના વાસ્તુ અંગેના પ્રશ્નો જોઈએ. આપના મનમાં પણ કોઈ સવાલ ઉદ્ભવે તો આપ પૂછી શકો છો.

સવાલ:  શું મફતમાં કામ કરતી વ્યક્તિ ખોટું કરે તો એની સામે પગલા ન લેવાય? અને ખરાબ જગ્યાને છોડી દઈએ તો એ ભાગેડુ વૃત્તિ કહેવાય? હું વિદ્યાર્થીની છું. આર્થિક જરૂરિયાત હોવાના કારણે હું નાના બાળકોને ભણાવું પણ છું. મારી સંસ્થામાં સાહેબનો વ્યવહાર બરાબર નથી. કેટલાક ખરાબ તત્વોનો એ સાથ આપે છે. મેં આચાર્યને ફરિયાદ કરી તો એ કહે છે કે સાહેબ ઓછા પગારમાં કામ કરે છે અને હું તો સેવા આપું છું. તમે પેલા લોકો સાથે સમાધાન કરી લો. મારે આગળ ભણવાની ઈચ્છા મરી ગઈ છે. પણ સંબંધીઓ કહે છે કે આ ભાગેડુ વૃત્તિ ગણાય. એ લોકોનો સામનો કરવો જોઈએ. શું એ સમયનો બગાડ નથી. જે સંસ્થાનું વાતાવરણ યોગ્ય નથી એમાં સમય બગાડાય? વળી મારી ફરિયાદ પછી તો એ બધા એક થઈ ગયા છે. શું કરવું જણાવશો. વાસ્તુમાં કોઈ ઉપાય ખરો?

જવાબ: બહેન શ્રી. આપની વેદના હું સમજી શકું છું. આવા લોકો જ સમાજની ઘોર ખોદી શકે છે. શું મફતમાં ઝેર મળતું હશે તો કોઈ હોંશે હોંશે ખાઈ જશે? સંસ્થાને મફતમાં અને સસ્તામાં માણસો જોઈએ છે અને એવી જગ્યાએ કોઈ સારી વ્યક્તિ ન પણ આવે એની સમજણ એમનામાં નથી હોતી. માત્ર નામ અને મકાનો જોઈને સંસ્થા વિશે જાણી ન શકાય. શૈક્ષણિક સંસ્થા એ ટાઈમ પાસ માટેની જગ્યા નથી. આવા પ્રશ્નો માટે સમાજમાં જાગૃતિ જરૂરી છે. પણ મોટાભાગે લોકો આમાં મારે શું વિચારીને છટકી જાય છે અને જયારે પોતાના પગ નીચે રેલો આવે ત્યારે રડવા બેસે છે. આવી સંસ્થામાં લોકો ડીગ્રી લેવા આવે, અભ્યાસ માટે નહિ. થોડા સમયમાં પરીક્ષા આવી જશે. વર્ષ પૂરું કરી અને અન્ય સંસ્થામાં શિફ્ટ થઇ જાવ. તમારી જિંદગીનો નિર્ણય તમારે લેવાનો છે. એમાં લોકો શું કહેશે એ વિશે વિચારવાની જરૂર નથી.

તમારી સંસ્થામાં ઉત્તરમાં ઝાડી છે અને એ જગ્યાએ જ વધારે નકારાત્મક પ્રવૃતિઓ થાય છે. દક્ષિણનો દોષ છે અને અગ્નિમાં ગોળાઈ છે. આવી સંસ્થાના વાતાવરણને તમે બદલી નહિ શકો. તમારું ઘર સકારાત્મક છે તેથી જ તમારી અંદર એક માણસ જીવે છે. એ લોકો તમારે લાયક નથી. સારા ભવિષ્ય માટે શુભેચ્છા.

સવાલ:  હું એક શિક્ષક છું. મારા વર્ગમાં બે વિદ્યાર્થીઓ છે. એક સૌમ્ય છે એક મારફાડ. બંને મને ગમે છે. તો કોની સાથે સંબંધ વધારાય? મારી ઉર્જા વધારવા વાસ્તુમાં કોઈ ઉપાય ખરો?

જવાબ:  શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ ખાસ હોય છે. એમાં આકર્ષણ નહિ પણ પારદર્શકતા હોવી જોઈએ. સવારે સૂર્યને જળ ચડાવો અને ધ્યાન, પ્રાણાયામ કરો. કોઈ ગમે એટલે એની સાથે સંબંધ વધારવો જ પડે એવું જરૂરી નથી હોતું. સહજ બનો, ક્યાંક કોઈ તમને સન્માન આપે છે એને પ્રેમ સમજીને કોઈ ખોટો નિર્ણય ન લેવાઈ જાય. વળી આ બહુ પવિત્ર સંબધ છે એ પણ સમજો.

આજનું સુચન:  બુટ ચંપલ આડા અવળા મૂકી રાખવાથી તણાવ વધે છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]