ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં શ્રીકાર વર્ષા

અમદાવાદઃ રાજ્યમાં શ્રીકાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે હજી બે દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર-હવેલી, નવસારી, સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભવના છે. આ ઉપરાંત 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે એવી સંભાવના છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ પણ મૂકવામાં આવ્યું છે.

વલસાડના કપરાડામાં 10 ઇંચ વરસાદ

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સરેરાશ ૫૪ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ ૧૦ ઇંચ સહિત રાજ્યના અન્ય ૬૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. કપરાડા તાલુકામાં ૨૫૩ મિ.મી, ચીખલીમાં ૨૪૪ મિ.મી, સુત્રાપાડામાં ૨૪૦ મિ.મી, ગણદેવીમાં ૨૩૧ મિ.મી, ધરમપુરમાં ૨૧૨ મિ.મી, નવસારીમાં ૨૧૧ મિ.મી એમ મળી કુલ છ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

નવસારી જળબંબોળ…જળબંબોળ

નવસારી શહેર જળબંબોળ થયું છે. નવસારી જિલ્લામાં એક અઠવાડિયા સુધી સતત વરસાદ વરસ્યો હતો. જેના કારણે અંબિકા, પૂર્ણા અને કાવેરી ત્રણેય નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં. જેને પગલે નગરપાલિકા તંત્ર સાબદું થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરત શહેર ખસી જવા વિનંતી કરવામાં આવી છે. ગઈ કાલે સાંજ સુધીમાં શહેરનો આશરે 30 ટકા હિસ્સો પાણીમાં હતો.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા પંચાયતના ડુંગરી ફળિયામાં NDRF ટીમે અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. ગણદેવી તાલુકાનાં 37 ગામોમાં 150થી વધુ લોકોને અત્યાર સુધી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં છે., જોકે અહીં કેટલાંક ગામોમાં હજુ પણ લોકો ફસાયા છે, જેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.

નવસારીમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શહેરના માર્ગો પર એક માળ સુધી પાણી ભરાયાં છે. શાંતાદેવીમાંથી 5000 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે.

 ગીર-સોમનાથમાં બે-પાંચ ઇંચ વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં ગઈ કાલે મોડી રાતથી ફરી વરસાદ શરૂ થયોઈ છે. વેરાવળ-સોમનાથમાં પાંચ ઇંચ, સુત્રાપાડામાં ચાર ઇંચ, તાલાલામાં ત્રણ અને કોડીનાર, ઉના અને ગીર-ગઢડામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે, જેને પગલે અનેક નદીઓમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોના માર્ગે ઉપર ઠેર-ઠેર પાણી ફરી વળ્યાં હતાં. ત્રણ તાલુકાનો જીવાદોરી સમાન હિરણ-2 ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો, જેથી ડેમના ત્રણ દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે.

ઘેડની ઓઝત નદીમાં પૂર

ગીર સોમનાથમાં સતત વરસી રહેલા વરસાદથી  ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે. ઓઝત નદીમાં પૂર આવતાં કેશોદ અને માંગરોળના ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યાં છે. આ પંથકના ખેડૂતોની વર્ષોથી માગ છે કે નદીના પૂર સામે સંરક્ષણ દીવાલ બનાવવામાં આવે.

વાગરા તાલુકામાં 10થી 12 ઇંચ વરસાદ

ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. વાગરા તાલુકામાં જ 10થી 12 ઇંચ વરસાદ વરસતાં ખેતરોમાં જળબંબોળની સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં વીજ પુરવઠો ખોટકાઇ ગયો છે.

જળાશયોમાં પાણીની આવક

રાજ્યમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક થઈ છે. રાજ્યમા જળસંગ્રહ 50 ટકાને પાર પહોચ્યો છે. 207 જળાશયોમાં 50.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યના 36 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે. 36 પૈકી 25 ડેમ 100 ટકા ભરાયા છે. 17 જળાશયો એલર્ટ પર  છે. 14 જળાશયો વોર્નિંગ પર મુકાયાં છે. બીજી તરફ વેરાવળ બંદર પર ત્રણ બદરનું સિગ્નલ લગાવાયું છે. દરિયો તોફાની બનતાં માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.

કચ્છમાં સૌથી વધુ વરસાદ

રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૪ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૯૮.૨૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૪ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૫.૧૨ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૨.૦૮ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૯.૩૨ ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]