ગુજરાતઃ ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશનની સંપૂર્ણ કચેરી કાર્યરત કરાશે, લાંબા સમયથી હતો વિવાદ

ગાંધીનગર- ગુજરાતમાં આગામી સમયમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની સંપૂર્ણ કચેરીની રચના કરી તે કાર્યરત કરવામાં આવશે. આ માટે રાજય સરકારે કમિટીની રચના કરી હતી. કમિટીએ આ માટેનો અહેવાલ રાજય સરકારને સુપ્રત કર્યો છે, જેના અભ્યાસ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે.ગુજરાત વિધાનસભામાં રાજયમા ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરીની સ્થાપના સંદર્ભે પ્રશ્નોતરી કાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરીની રચના કરવા માટે ગૃહ વિભાગના ઠરાવથી આ કચેરી ગૃહ વિભાગ હસ્તક રાખવા નક્કી કરાયું હતું, ત્યારબાદ ગૃહ વિભાગ દ્વારા આ કચેરીના કાર્યો અને ફરજોની સોપણી બાબતે વચગાળાની કામગીરી સોપવામાં આવી હતી. જે મુજબ આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટરની કેડરને ગૃહ વિભાગ હસ્તક મુકવા અને ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુટરના ડાયરેક્ટર તરીકે આઇ.પી.એસ./આઇ.એ.એસ. અધિકારીને નિયુક્ત કરવા ઠરાવાયું હતું.

આ ઠરાવની વિરુદ્ધમાં આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર્સ એસોસીએશન દ્વારા નામ. ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી હતી. જેમાં ડાયરેકટર તરીકે આઇ.પી.એસ./આઇ.એ.એસ.ને ન મુકવા દાદ મગાઇ હતી. ગૃહ વિભાગ દ્વારા ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનને કાયદા વિભાગ હસ્તક મુકવામાં આવેલ. અને ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનના ડાયરેકટર તરીકે નિવૃત્ત જિલ્લા ન્યાયધિશ કક્ષાના અધિકારીની નિમણૂક કરવાનું ઠરાવાયું હતું.

ભારત સરકાર દ્વારા ક્રિમીનલ પ્રોસીઝર કોડમાં સુધારો કરી ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનને ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ મુકવાનું નક્કી કરાતા ગુજરાત સરકારે પણ કાયદા વિભાગ, ગૃહ વિભાગ અને સામાન્ય વહિવટ વિભાગ સાથે ચર્ચા વિચારણા કરીને ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનનું માળખું નવેસરથી કાર્યરત કરવા માટે અભ્યાસની જરૂર હોઇ, જે રાજ્યોમાં આ કચેરીઓ હાલ અસ્તિત્વમાં છે તેનો અભ્યાસ કરીને અભ્યાસના આધારે રાજ્યમાં આ કચેરી કાર્યરત કરવાનું નક્કી કરાયું છે. આ માટે કાયદા અને ગૃહ વિભાગની અધિકારીઓની ટીમ દ્વારા તમિલનાડુંની મુલાકાત લઇને ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનનું માળખું, તેના કાર્યો, ફરજો, ભરતી તથા પરીક્ષાના નિયમો, પગાર ધોરણ સેવા સહિતની અન્ય કામગીરી બાબતે અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને આ માટે કાયદા અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે. આ કમિટીએ તાજેતરમાં તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો છે. એ અહેવાલના તારણોનો રાજ્ય સરકાર દ્વારા અભ્યાસ કરીને આગામી સમયમાં ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનની કચેરી કાર્યરત કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

પ્રદીપસિંહે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આસી. પબ્લીક પ્રોસીક્યુટરની 374 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તાજેતરમાં જ નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવેલ છે. અને ટૂંક સમયમાં જ રાજ્યમાં 374 આસી. પબ્લિક પ્રોસીક્યુટર પ્રાપ્ત થતા ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનનું માળખું મજબૂત થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]