ગરબાના આયોજન માટે સરકારનું કડક વલણ, ગરબા સંચાલકો નારાજ

અમદાવાદ- ગુજરાતમાં આ વર્ષે ગરબા સંચાલકો પર સરકારે કડક વલણ દાખવ્યું છે. સેફ્ટી મુદ્દે સરકારે કડક નિયમો બનાવ્યા છે. 29 તારીખથી શરુ થતા નવલા નોરતો માટે હાલ સુધી ગુજરાતનાં કોઇ પણ શહેરનાં કોઇ પણ ગરબા આયોજકોને NOC સાથે મંજૂરી મળી નથી. મંજૂરી વિના ગરબાનું આયોજન આયોજકો માટે ભારે પડી શકે તેવુ સરકારનું વલણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

મહિલાઓની સલામતી, પાર્કિંગની સુવિધા, CCTVની સુવિધા, ફાયર સેફ્ટી, ઇમર્જન્સી સારવાર(એમ્બ્યુલન્સ)ને લઈને સરકારે ગરબા સંચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. અમદાવાદ શહેરના 28 ગરબા આયોજકોએ પોલીસ કમિશ્નર પાસે ગરબાનું આયોજન કરવા માટે મંજૂરી માગી છે. પંરતુ ફાયર સેફ્ટીના અભાવે આયોજકોને મંજૂરી આપવામાં નથી આવી. એટલું જ નહીં આ વખતે ગરબા સંચાલકોએ ટિકિના દર સાથેનો જીએસટી નંબર પણ આપવો પડશે. જેની સામે ગરબા સંચાલકોએ નારજગી દર્શાવી છે.

નવરાત્રીના ગરબા ગુજરાતની પોતાની વૈશ્વિક ઓળખ છે. જેને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. હજુ સુધી સુરતનાં 12 અને અમદાવાદનાં 28 આયોજકોએ પોલીસ કમિશનર કચેરીથી નવરાત્રીના ગરબા માટે પરવાનગી માંગી છે. જ્યારે અન્ય મોટા શહેરોનાં ગરબા આયોજકો દ્વારા આ મામલે કોઇ ખાસ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું નથી. જેમણે મંજૂરી માગી છે તેમાં ત્રણ ક્લબ, પાર્ટી પ્લોટ અને હોલના સંચાલકનો સમાવેશ થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસે ગરબાનું આયોજન કરવાની નીતિઓ નક્કી કરી છે. ગરબા આયોજકોએ મહિલાની સલામતી, પાર્કિંગ, સુરક્ષા સહિતની અનેક સુવિધાઓ પૂરી પાડવાની છે.

રાજ્યના ગૃહ વિભાગે ફાયર સેફ્ટી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રિક ફિટીંગ માટે સરકાર માન્યતા પ્રાપ્ત ઈલેક્ટ્રિશયન, જનરેટરની વ્યવસ્થા, ઓપરેટરો પાસેથી સીસીટીવી કેમેરાની વિગતો માગી છે. સંચાલકોએ ગરબામાં આવનારી મહિલાઓની સુરક્ષા પૂરી પાડવી પડશે. તેમને કટોકટી સમયે ડોક્ટર અથવા એમ્બ્યુલન્સની સુવિધા પણ આપવી પડશે.