‘ગલી બોય’ ઓસ્કર-2020 માટે નામાંકિત; ‘અપના ટાઈમ આયેગા’?

મુંબઈ – બોલીવૂડ ડાયરેક્ટર ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’ને ઓસ્કર એવોર્ડ-2020 (92મી આવૃત્તિ) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત આ ફિલ્મને એકેડેમી એવોર્ડ્સમાં ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી છે.

ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI)એ ગલી બોયની પસંદગીની ઘોષણા કરી છે. આ ફિલ્મે 27 ફિલ્મોની સ્પર્ધામાં બાજી મારી છે. એને સર્વસંમતિથી ભારતીય એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે.

FFIના ચેરમેન ફિરદૌસુલ હસને કહ્યું કે ઓસ્કર નામાંકન માટે ‘ગલી બોય’ સામે બીજી 27 ફિલ્મો પણ મેદાને પડી હતી. એમાં બોલીવૂડની ‘બધાઈ હો’, ‘અંધાધુન’, ‘આર્ટિકલ 15’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’, ‘બદલા’, ‘કેસરી’ અને ‘તાશ્કંદ ફાઈલ્સ’ ફિલ્મોનો સમાવેશ થાય છે.

FFI દ્વારા નિયુક્ત પસંદગી સમિતિનાં અધ્યક્ષપદે પીઢ અભિનેત્રી અને નિર્માત્રી અપર્ણા સેન હતાં. એમણે કહ્યું કે, ‘આ ફિલ્મની ઊર્જા લાજવાબ છે. તે ઓસ્કરનાં દર્શકો સાથે સંવાદ કરશે.’

ઝોયાનાં ભાઈ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ ‘ગલી બોય’ને સાથે મળીને પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મ આ વર્ષના ફેબ્રુઆરીમાં રિલીઝ કરવામાં આવી હતી.

ઓસ્કર માટે નામાંકિત થઈ એ પહેલાં ‘ગલી બોય’ને અમુક અન્ય જાણીતા ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બતાવવામાં આવી હતી. ત્યાં પણ લોકોએ એને પસંદ કરી હતી.

‘ગલી બોય’ ફિલ્મે ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીત્યો હતો. ત્યારબાદ જાપાનના ફિલ્મોત્સવમાં પણ એને પ્રદર્શિત કરવામાં આવી હતી.

પોતાની ફિલ્મને ઓસ્કર એવોર્ડની કેટેગરી માટે પસંદ કરાઈ એ વિશે પ્રત્યાઘાત આપતાં ઝોયાએ કહ્યું કે, ‘આ વર્ષ અમારા માટે બહુ જ સરસ બની રહ્યું છે. અમારા કામ વિશે જે રીતે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે એ જોતાં હું બહુ જ ખુશ અને રોમાંચિત છું. ‘ગલી બોય’ને ઓસ્કર માટે મોકલવામાં આવી છે એ માટે હું સૌની આભારી છું.’

ઝોયાએ હવે એમની નવી ફિલ્મની તૈયારી શરૂ પણ કરી દીધી છે. નવી ફિલ્મ એક ગેંગસ્ટર વિશેની છે. નવી ફિલ્મમાં પણ હિરો તરીકે એમણે રણવીર સિંહને જ પસંદ કર્યો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ એમણે રણવીરને સંભળાવી છે અને રણવીરને તે બહુ ગમી છે. એણે મૌખિક રીતે ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે. ઝોયાનાં દિગ્દર્શન હેઠળ આ ત્રીજી ફિલ્મ હશે. સૌથી પહેલાં એમણે ‘દિલ ધડકને દો’ ફિલ્મ બનાવી હતી.

શું છે ગલી બોયની સ્ટોરી?

મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીની એક ચાલીમાં શરૂ થયેલી એક વાર્તા હવે અમેરિકા સુધી – ઓસ્કર એવોર્ડ સુધી પહોંચી ગઈ છે.

આ ફિલ્મની વાર્તા એક સત્ય ઘટના, મુંબઈના બે સ્ટ્રીટ રેપર ડિવાઈન અને નેઝીના જીવન પર આધારિત છે.

‘ગલી બોય’માં રણવીર સિંહે સંઘર્ષભરી અને દિશાવિહોણી જિંદગીમાંથી શક્તિશાળી રેપર બનતા મુરાદ નામના યુવકની ભૂમિકા કરી છે. મુરાદ એટલે રિયલ લાઈફનો ડિવાઈન.

અન્ય રેપરનો રોલ કર્યો છે સિદ્ધાંત ચતુર્વેદીએ. આ ફિલ્મ સાથે એણે બોલીવૂડમાં એન્ટ્રી કરી છે અને પહેલી જ ફિલ્મથી એ જાણીતો થઈ ગયો છે. બે મોટા ફિલ્મ મેગેઝિનના કવર પેજ ઉપર પણ એ ચમક્યો છે. આ એક્ટરને યશરાજ ફિલ્મ્સ બેનર હેઠળની ‘બંટી ઔર બબલી 2’ ફિલ્મ માટે પણ કરારબદ્ધ કરવામાં આવ્યો છે.

‘ગલી બોય’ને નામાંકન મળ્યું એ સમાચારથી બેહદ ખુશ થયેલા સિદ્ધાંતે એવી આશા વ્યક્ત કરી છે કે ફિલ્મને જરૂર એવોર્ડ મળશે. ‘અપના ટાઈમ આયેગા’ એમ તેણે કહ્યું છે. ‘અપના ટાઈમ આયેગા’ એ ‘ગલી બોય’નું રેપ સોંગ છે, જે ડિવાઈને લખ્યું છે અને ડિવાઈન અને ડબ શર્માએ કમ્પોઝ કર્યું છે. જ્યારે ફિલ્મમાં રણવીરે પોતાના જ અવાજમાં એ ગીત ગાયું છે.

સિદ્ધાંતે વધુમાં કહ્યું છે કે મારી આ ફિલ્મ પહેલા એમી એવોર્ડ્સ માટે નોમિનેટ થઈ હતી અને હવે ઓસ્કર-2020 માટે નોમિનેટ થઈ છે એટલે અમારા માટે બમણા આનંદની વાત છે.

બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ઘણી પ્રશંસા પામી હતી. ફિલ્મનાં ગીતો પણ હિટ થયા છે.

હજી સુધી કોઈ બોલીવૂડ ફિલ્મ ઓસ્કર જીતી શકી નથી

‘ગલી બોય’ને ભારતની એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી ભારતની એકેય ફિલ્મ ઓસ્કર જીતી શકી નથી.

બેસ્ટ વિદેશી ફિલ્મ કેટેગરીમાં આખરી-પાંચમાં સ્થાન મેળવનારી 3 ફિલ્મો છે. આશુતોષ ગોવારીકરની ‘લગાન’ (2001), ‘સલામ બોમ્બે’ (1989) અને ‘મધર ઈન્ડિયા’ (1958).

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]