રાજીનામું આપનાર કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા

ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. હવે આ 8 ધારાસભ્યો પૈકીના 5 ધારાસભ્યોએ આજે કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા છે. આ પાંચેય ધારાસભ્યોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરિયો ધારણ કરી ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. કોરોનાને કારણે કમલમ્ ખાતે પહોંચનાર તમામને થર્મલ સ્કિનિંગ બાદ અંદર પ્રવેશ અપાયો હતો.

આ પૂર્વ ધારસભ્યો ભાજપમાં જોડાયા

  1. બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય, મોરબી
  2. જે.વી.કાકડિયા, પૂર્વ ધારાસભ્ય, ધારી
  3. અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય, કરજણ
  4. પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય, અબડાસા
  5. જીતુ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય, કપરાડા

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, તીવ્ર જૂથબંધી, આંતરિક વિખવાદ તથા અંદરોઅંદરની તીવ્ર ખેંચતાણથી કોંગ્રેસ આપમેળે જ તૂટી રહી છે. દેશની જનતાએ જમ્મુ અને કાશ્મીરમાં થી કલમ 370/ 35 એ નું નિર્મૂલન, નાગરિકતા સંશોધન કાયદો, રામ જન્મભૂમિનો ચુકાદો અને ત્રિપલ તલાક નાબૂદીના નિર્ણય બાદ કોંગ્રેસનો નકારાત્મક અભિગમ જોયો અને અનુભવ્યો છે. ટુકડે ટુકડે ગેંગ નું સમર્થન કરનાર કોંગ્રેસના આજે ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં ટુકડા થઈ રહ્યા છે.

વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, ભાજપાની રાષ્ટ્રવાદી, પ્રજાભિમુખ અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઈને આ પાંચેય પૂર્વ ધારાસભ્યો ભાજપામાં જોડાઇ રહ્યા છે તે પ્રસંગે ગુજરાત ભાજપાના તમામ કાર્યકર્તાઓ વતી હું તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.