ડ્રોપઆઉટ વધ્યો છે તેની પાછળ વાલીઓ પણ જવાબદારઃ શિક્ષણપ્રધાન ચૂડાસમા

ગાંધીનગરઃ રાજ્યમાં અત્યાર સુધી ઘણીવાર શિક્ષણ ખાડે ગયું હોવાના આક્ષેપો થતા આવ્યાં છે. તો સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ પણ વધી ગયો છે. ત્યારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે એક પત્રકાર પરિષદ યોજીને સરકાર આ મુદ્દે કેટલી ચિંતિત છે તે અંગે માહિતી આપી હતી.

સમય સરી ગયા બાદ સફાળી જાગેલી સરકાર દ્વારા લગભગ રાજ્યમાં તમામ શાળાઓમાં ઢોલ નગારા સાથે પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ, પૈસા પણ ખર્ચ કરવામાં આવ્યા પરંતુ વિદ્યાર્થીને માત્ર પ્રવેશ આપવાથી જવાબદારી પૂર્ણ નથી થતી. રાજ્યની સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ વધી જવો, શિક્ષણનું કથળેલુ સ્તર વગેરે જેવી અનેક સમસ્યા છે અને આ સમસ્યાથી સરકાર પણ વાકેફ છે.

ત્યારે આ મામલે ગુજરાતના શીક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી રાજ્યમાં શિક્ષણની સ્થિતિ વિશે વાત કરી હતી. શીક્ષણ પ્રધાને જણાવ્યું કે ડ્રોપઆઉટ વધ્યો છે તેની પાછળ વાલીઓ પણ જવાબદાર છે. શિક્ષણ પ્રધાને જણાવ્યું કે તમામ શાળાઓમાં વીજળીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે, એનો અર્થ એ થયો કે સ્કૂલોમાં વીજળી જેવી પ્રાથમિક સુવિધા પણ નથી.

શિક્ષણ પ્રધાને ડીઈઓ અને ડીપીઈઓ સાથે બેઠક યોજીને રાજ્યમાં શિક્ષણની સ્થિતી અંગે ચર્ચા કરી હતી. ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે નબળા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને ખાસકરીને પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ગણિત જેવા વિષયમાં લર્નિંગ આઉટ ક્રમમાં સુધારો કરવામાં આવશે.

તો સાથે જ સરકારે સ્વીકાર્યું કે ધોરણ 3,5 અને 8માં ભણતા વિદ્યાર્થીઓને ગણિતાના સરળ દાખલા પણ આવડતા નથી.  શિક્ષણ પ્રધાને જણાવ્યું કે હવેથી બાળકોને શાળા શરૂ થયાને એક મહિનામાં પાઠ્યપુસ્તો મળી રહે તેવી વ્યસ્થા કરવામાં આવશે. આરટીઈ વીશે વાત કરતા શિક્ષણ પ્રધાને જણાવ્યું કે આરટીઈના ધારાધોરણ અનુસાર શિક્ષક અને વિદ્યાર્થીઓનો રેશિયો નિયત કરાશે.

મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓના વિદ્યાર્થીના ઉત્તમ ભણતર માટે કરોડો રૂપીયાનું બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ અહીંયા શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવા પર યોગ્ય ધ્યાન ન આપતા હોવાના કારણે પાંચમા ધોરણના વિદ્યાર્થીને ગણિતના દાખલા તો દૂર પરંતુ ગુજરાતી પણ વાંચતા લખતા આવડતું નથી જે ઘણી જ શરમજનક બાબત કહી શકાય. તો આ સાથે જ ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 20 ટકા જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 9નો આગળનો અભ્યાસ કરવા સરકારી અથવા અન્ય શાળામાં જતા નથી.