ભૂખ્યાં પેટે માથાનો દુઃખાવો થાય તો શું કરવું?

મણાં વટસાવિત્રી પૂનમ ગઈ. અષાઢ સુદ ૧૧થી કન્યાઓના મોળાકત વ્રતનો પ્રારંભ થશે. જયાપાર્વતી વ્રત આવશે. તે પછી શ્રાવણ મહિનો. આમ, હવે વ્રતની ઋતુ શરુ થઈ. ચોમાસામાં પાચનક્રિયા મંદ પડી જતી હોય છે. તેથી હળવું ખાવું તે માટે વ્રત કરવામાં આવે છે અને વ્રત સાથે કોઈ ને કોઈ સંકલ્પ જોડાય છે ત્યારે તે શ્રદ્ધા બની જાય છે.પરંતુ વ્રતમાં ભૂખ્યા રહેવાનું આવે, ત્યારે ઘણા લોકો માથાના દુઃખાવાની ફરિયાદ કરતા હોય છે. જો તેમાં ડિહાઇડ્રેશન (પાણીની કમી), કેફીન તત્ત્વ ઓછું થવું, ઓછી ઊંઘ, નીચી રક્ત શર્કરા (બ્લ્ડ સુગર) વગેરે પરિબળો પણ ભળે તો માથાનો દુઃખાવો અસહ્ય થઈ પડે છે. જો વ્રત કરનારી વ્યક્તિ જો માતા કે પિતા હોય તો પછી તે પોતાના જીવનસાથી પર કે બાળક પર ગુસ્સો કાઢે છે. ઑફિસમાં કામ પણ બરાબર કરી શકતી નથી. આથી જ આરોગ્યનિષ્ણાતો કેટલાંક પગલાં ધ્યાનમાં રાખવાનું વ્રતધારીઓને કહે છે.

આરોગ્ય નિષ્ણાતો મુજબ, હાઇપૉગ્લાયસેમિયાના કારણે માથાના દુઃખાવાની ફરિયાદ રહેતી હોય છે. હાઇપૉગ્લાયસેમિયા એવું લક્ષણ છે જેમાં ગ્લુકૉઝનું સ્તર સામાન્ય સ્તર કરતાં ઘટી જાય છે.

વ્રત કરનારાઓએ પૂરતું પાણી પીવું જોઈએ. એ તો સુવિદિત છે કે શરીરમાં અન્ન જાય તેથી પાણીની તરસ વધુ લાગે છે, પરંતુ ભૂખ્યા પેટે તરસ ન લાગે તો પણ નિશ્ચિત માત્રા જેટલું પાણી તો પીવું જ જોઈએ. પાણી ઉપરાંત ફળોનો રસ વગેરે પ્રવાહી પણ લઈ શકાય.

આરોગ્ય નિષ્ણાતો માને છે કે પાણીનો અભાવ મગજને અસર કરે છે કારણકે મગજ ૭૫ ટકા પાણીથી બનેલું છે. આથી તે તેનામાં જેટલું પ્રવાહી રહેલું હોય તેના પ્રત્યે સંવેદનશીલ બને છે. જ્યારે મગજને ખબર પડે છે કે પાણીની આપૂર્તિ ખૂબ ઓછી છે ત્યારે તે હિસ્ટામિનનું ઉત્પાદન કરે છે. કોષો આ સંયોજન છોડે છે જે સરળ સ્નાયુનું સંકોચન કરે છે. જો લાંબા સમય સુધી પાણીની તંગી ચાલુ રહે તો તે પાણીનો સંગ્રહ પણ કરે છે. આ હિસ્ટામિન સીધું જ દુઃખાવો અને થાક સર્જે છે. આથી માણસને શરીર તૂટતું હોય તેવું લાગે છે, માથું દુઃખતું હોય તેવું લાગે છે, શરીરમાં સ્ફૂર્તિ અનુભવાતી નથી.

ડૉક્ટરો કહે છે કે લોકોએ પૂરતું પ્રવાહી લેવું જોઈએ, સાથે જ પેશાબ વધુ જવું પડે તેવાં તત્ત્વો ઓછાં લેવા જોઈએ કારણકે આવાં તત્ત્વો લેવાથી વારેઘડીએ પેશાબ લાગશે અને શરીરમાં પાણી ઘટી જશે. કેફીન આધારિત પીણાંઓની આવી અસર થતી હોય છે. આ ઉપરાંત કેફીન તત્ત્વ ઘટી જાય તો પણ માથાનો દુઃખાવો થતો હોય છે. આથી કેફીનનું પ્રમાણ મર્યાદિત રાખવું જ હિતાવહ છે.

સવારમાં કડક ચા કે કૉફીથી જેમને શરીરમાં કેફીનની ગેરહાજરી લાગતી હોય તેમને રાહત મળી શકે. ઉપરાંત જે ફળો શરીરમાં ક્રમશઃ રક્તપ્રવાહમાં શર્કરાને છોડે તે લેવા જોઈએ. ઉપરાંત પ્રૉટીન વધુ હોય તેવા પદાર્થો પણ લઈ શકાય જેમ કે સૂકો મેવો, દહીં વગેરે.

સાથે જ જો તમે ઉપવાસ કરતા હો તો તમારે પૂરતી ઊંઘ લેવી જોઈએ. કરવા ચોથ, લગ્નની આગલી રાત્રે ઘણા લોકો મોડે સુધી કે આખી રાત જાગતા હોય છે. બીજા દિવસે ભૂખ્યા રહેવાનું થાય એટલે માથાનો દુઃખાવો થયા વગર રહે નહીં. ઉપવાસમાં પણ પૂરતી ઊંઘ તો જરૂરી જ છે, કારણકે થાક માથાનો દુઃખાવો સર્જશે. આથી ટીવી જોવું કે મોબાઇલમાં ફિલ્મો કે વૉટ્સએપ સંદેશાઓ તપાસ્યા વગર પૂરતી ઊંઘ લેવાનું જ રાખવું જોઈએ.

માથાનો દુઃખાવો થાય તો નાછૂટકે જ એલોપેથિક દવાઓ લો કારણકે તેની આડઅસરો ખૂબ જ હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]