ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશનમાં મોટો ઉછાળો, રાજ્યકક્ષાએ 34 નવી રમતો સમાવાઈ

ગાંધીનગર- સરિતા ગાયકવાડ, કે જે ખેલ મહાકુંભ થકી આગળ વધી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતી તે બાદ રમતગમત ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવામાં ખેલમહાકુંભ આશીર્વાદરૂપ બની રહ્યો હોવાનું રમતગમતપ્રધાને એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. આ સાથે આવતા સપ્તાહથી શરુ થઈ રહેલ ખેલ મહાકુંભને લઈને મહત્ત્વની વિગતો બહાર પાડવામાં આવી હતી.ખેલ મહાકુંભના આયોજન માટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના માન્ય એસોસિએશનની બેઠક યોજાઇ હતી.રમતગમતપ્રધાન ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે, રમતગમત ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક સ્તરે નામના અપાવવામાં ગુજરાતના યુવાનો સફળ થયા છે તે માત્ર ને માત્ર ખેલ મહાકુંભના આયોજનને આભારી છે.ચાલુ વર્ષે યોજાનાર ખેલ મહાકુંભમાં રાજ્યભરમાંથી ૪૨ લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

તેમણે રાજ્ય સરકાર દ્વારા યોજાઇ રહેલ ખેલ મહાકુંભ ૨૦૧૮માં એસોસિએશનોને ઉમદા કામગીરી કરવા પર ભાર મૂકતાં કહ્યુ કે, ખેલ મહાકુંભ-૨૦૧૮માં ખેલાડીઓને સરકાર દ્વારા પ્રોત્સાહન અપાશે ત્યારે યુવાઓ પણ વધુ મહેનત કરે તે જરૂરી છે.આ વર્ષે ૪૨ લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, તેમાં ૫૭ ટકા એથ્લેટિક્સ, ૯.૩૨ ટકા કબડ્ડી, ૯.૪૦ ટકા ખો-ખો અને ૨૩.૫૨ ટકા અન્ય સ્પર્ધાઓમાં રજિસ્ટ્રેશન થયુ છે. ખેલ મહાકુંભની શરૂઆત ૧૮મી સપ્ટેમ્બરથી થશે જેમાં શાળા-ગ્રામ્ય કક્ષાએ તા.૧૮/૦૯/૨૦૧૮ થી તા.૨૧/૦૯/૨૦૧૮ ચાર દિવસ માટે પાંચ સ્પર્ધાઓ યોજાશે.

એ જ રીતે તા.૨૨/૦૯/૨૦૧૮ થી ૨૬/૦૯/૨૦૧૮ પાંચ દિવસ દરમિયાન તાલુકા કક્ષાએ આઠ સ્પર્ધાઓ યોજાશે અને તા.૨૦/૧૦/૧૮ થી તા.૦૩/૧૧/૨૦૧૮ કુલ ૧૫ દિવસ સુધી જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ૨૧ રમતો માટે અને તા.૧લી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી એક માસ માટે રાજ્ય કક્ષાએ ૩૪ રમતો યોજાશે. આ વિજેતાઓને ૪૫ કરોડથી વધુ રકમના પ્રોત્સાહક ઇનામો અપાશે.