અમદાવાદઃ GST છેતરપિંડી કેસમાં ધરપકડ થયેલા પત્રકાર મહેશ લાંગાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મહેશ લાંગાએ રૂ. 28 લાખની છેતરપિંડી કરતાં વધુ એક FIR અમદાવાદના એક વેપારી દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. છેલ્લા બે વર્ષમાં નકલી કંપનીઓના માધ્યમથી મહેશ લાંગાએ રૂ. 20 કરોડની જેટલો ફ્રોડ કર્યો છે.
બોગસ બિલિંગની વિગતો ધ્યાને આવતાં ખુદ DGGIના ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં 220થી વધુ બોગસ કંપનીઓની વિગતો મળી આવતાં ક્રાઇમ બ્રાંચે તેના સંચાલકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. એક બોગસ કંપનીના સંચાલક દ્વારા ભાગીદારનું કામ કરી આપવા માટે રૂ. 28 લાખ લેવામાં આવ્યા હતા, પરંતુ તે કામ નહીં કરી આપી ઠગાઇ કરી હતી.
આ પ્રકરણમાં બોગસ કંપનીઓના એવા સંચાલકો કે જેમણે બોગસ બિલ જનરેટ કરીને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી તેમની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે પણ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી વિગતો મેળવી હતી. આ પ્રકરણમાં સચિવાલય અને સરકારી કચેરીઓને સંલગ્ન ડોક્યુમેન્ટ્સ મળ્યા હોવાથી તે અંગેની ફરિયાદ ગાંધીનગરમાં પણ નોંધાઇ છે. વધુ એક ફરિયાદ અંગે માહિતી આપતાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પત્રકાર મહેશ લાંગા ખૂબ જ વગ ધરાવે છે અને તે જમીન સોદા સહિત સરકારી કામગીરી કરી આપવાની શેખી મારતો હતો. તેના ભાગીદારનું પણ કામ કરાવી આપવા પેટે તેણે 28 લાખ લઇ તેની સાથે ઠગાઇ કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં કરોડોના બોગસ બિલો જનરેટ થયા છે માટે તેની તપાસ ED કરી રહી છે. કરોડોના હવાલા પડ્યા હોવાથી મની લોન્ડરિંગ એક્ટ મુજબ પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું કમિશનરે જણાવ્યું હતું.