અમદાવાદઃ ઇસ્માઇલી સમુદાય દ્વારા 25 સપ્ટેમ્બરે ગ્લોબલ ઇસ્માયલી સિવિક ડે તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વભરમાં ઇસ્માયલી સમુદાય આ દિવસે આરોગ્ય, શિક્ષણ, આર્થિક વિકાસ, પર્યાવરણીય દેખરેખ અને સાંસ્કૃતિક સંવર્ધનનાં ક્ષેત્રોમાં યોગદાન આપવા માટે સાથે મળીને કાર્ય કરે છે.
અમદાવાદના કાંકરિયા તળાવ પાસે ગ્લોબલ ઇસ્માયલી સિવિક ડે 2022 અંતર્ગત 200થી વધુ ઇસ્માયલી સમાજના વોલેન્ટિયરો દ્વારા પર્યાવરણીય દેખરેખ, જાગૃતિ અન્વયે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ઇસ્માયલી સિવિક ડે અંતર્ગત પર્યાવરણીય દેખરેખનાં ક્ષેત્રોમાં પાર્ક અને બીચ વગેરેની સફાઈ, રિસાઇકલિંગ અને ટ્રી પ્લાન્ટેશન વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. આ પ્રવૃત્તિઓ પાછળનો હેતુ વિશ્વમાં સકારાત્મક બદલાવ લાવવાનો હોય છે.
આ પ્રસંગે ઇસ્માયલી સમુદાયના સ્વંયસેવકો દ્વારા ફ્લેશ મોબ, ક્વિઝ, પઝલ અને વેસ્ટમાં રંગોળી જેવી પ્રવૃત્તિઓ તેમ જ સ્વચ્છતા ઝુંબેશ દ્વારા પર્યાવરણીય દેખરેખ વિશે જાગરુકતા ફેલાવવામાં આવી હતી. કાંકરિયા ખાતે સહેલાણીઓ દ્વારા આ પ્રવૃત્તિઓ માણવામાં આવી હતી અને તેઓ સ્વચ્છતા તેમ જ પર્યાવરણીય દેખરેખ વિશે જાગ્રત થયા હતા.