ગૌશાળાઓની ચૂંટણીમાં ભાજપના બહિષ્કારની ઘોષણા

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગૌશાળાને ચલાવવામાં નાણાકીય સહાય આપવામાં નિષ્ફળ રહેવાના વિરોધમાં ટ્રસ્ટીઓએ ગૌશાળાની ગાયોને રસ્તા પર છોડી મૂકી છે. રાજ્યમાં નોંધણી થયેલી ગૌશાળા માટે ફંડ જારી નહીં કરવા પર સરકારથી નારાજ થયેલાં ધાર્મિક ટ્રસ્ટો હવે ગાયોને સરકારી ઓફિસોમાં છોડી રહ્યા છે. બનાસકાંઠામાં દેખાવકારોએ એક સભામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના ભાષણનો વિડિયો શેર કર્યો હતો, તેમણે કહ્યું હતું કે અમે બધા ગૌભક્તો છીએ. આ બજેટમાં ગૌમાતા માટે રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાનું આહવાન કરવાની સાથે બનાસકાંઠાના તાલુકાઓમાં હજ્જાતો ગાયોને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને કોર્ટો જેવી સરકારી ઓફિસોમાં ગાયોના પ્રવેશ કરવાનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. રવિવાર સુધી ટ્રસ્ટો દ્વારા સંચાલિત આશરે 1750 ગૌશાળાઓ આ આંદોલનમાં સામેલ થઈ હતી. આ ગૌશાળાઓમાં 4.5 લાખ ગાયો છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ગાયોને રસ્તા પર છોડી મૂકવામાં ઓવી હતી. બીજી બાજુ કચ્છમાં પણ રવિવારે શેલ્ટર ચલાવવાવાળાઓએ સરકારને ચાવીઓ સોંપતાં કહ્યું હતું કે તેઓ આગામી ચૂંટણીમાં ભાજપને મત નહીં આપીએ. રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય જિલ્લાઓમાં આ પ્રકારના આંદોલનો જોવા મળ્યાં છે.

ગૌશાળાના સંચાલકોએ દાવો કર્યો હતો કે કેટલીય ગાયો હજી પણ રસ્તાઓ અને સરકારી ઓફિસોના પ્રાંગણમાં છે, જેમાંથી કેટલીક પરત આવી ગઈ છે. ગુજરાત ગૌ સંઘે દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શનો કરવા પર આશરે 70 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

કૃષિ, પશુપાલનપ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું કે સરકાર વિરોધ અને એનાં કારણોથી ચિંતિત છે. અમે બજેટમાં જોગવાઈ કરી હતી. એપ્રિલથી એ લાગુ કરવાની પણ જાહેરાત કરી હતી, પણ વહીવટી અડચણોને કારણે  આવું નહીં થઈ શક્યું. અમે એક-બે દિવસમાં એનો ઉકેલ લાવી દઈશું, એમ તેમણે કહ્યું હતું.