સુરતમાં વિશાળ યજ્ઞશાળામાં એકપણ ખીલી નથી વપરાઈ

સુરતઃ અત્રે ૧૦૮ કુંડી મહાયજ્ઞ માટે વેસુ ખાતે આશીર્વાદ એસ્ટેટમાં ૨૫,૬૦૦ સ્કવેર ફૂટની વિશાળ યજ્ઞશાળા તૈયાર કરાઇ છે. આ યજ્ઞશાળામાં ૨૫૬ સ્તંભ લાગ્યા છે. જયપુરના ૨૨ કારીગરોએ ૧ મહિનાની જહેમત બાદ યજ્ઞશાળા તૈયાર કરી છે. ૯ દિવસ ચાલનારા મહાયજ્ઞમાં આહુતિ અને દર્શનનો લાભ લેવા વિશેષ બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયું છે. ૧૦૮ કુંડી ઉપરાંત કોરોનામાં મૃત્યુ પામનારા શહેરીજનોની આત્માની શાંતિ માટે એક અલગ કુંડ પણ બનાવાયો છે. સૌથી ખાસ વાત એ છે કે વાસ્તુ પ્રમાણે ઘાસ, વાંસથી આખી યજ્ઞશાળા બનાવાઇ છે. તેમાં એક પણ ખીલી કે લોખંડનો ઉપયોગ કરાયો નથી .

મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ અવધૂત બાબા અરુણગિરિના સાંનિધ્યમાં ન્યૂ સિટીલાઇટ રોડ સ્થિત આશીર્વાદ એસ્ટેટમાં મહારુદ્ર સહસ્ત્રચંડી હવનાત્મક મહાયજ્ઞ ૧૦૮ કુંડીનું આયોજન કરાયું છે . ૨૬ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર સુધી આયોજિત ૧૦૮ કુંડી મહાયજ્ઞ માટે ૨૫,૬૦૦ સ્ક્વેર ફૂટમાં વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. હિન્દુ શાસ્ત્રો અને વૈદિક પરંપરા પ્રમાણે હવનાત્મક મહાયજ્ઞનું વિશેષ મહાત્મ્ય આંકવામાં આવ્યું છે. આધ્યાત્મિક, દૈવિક આસ્થા સાથે પર્યાવરણ શુદ્ધીકરણમાં પણ હવનાત્મક મહાયજ્ઞ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જે અંતર્ગત કોરોનારૂપી મહામારી બાદ પર્યાવરણ શુદ્ધીકરણના વૈશ્વિક અભિયાન અંતર્ગત સુરતના આંગણે ૧૦૮ કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

‘એન્વાયર્નમેન્ટ બાબા’ તરીકે જાણીતા અને પર્યાવરણ શુદ્ધિ અભિયાનના પ્રણેતા અવધૂત બાબા અરુણગિરિના સાંનિધ્યમાં સોમવારે સવારે ૯.૧૫ વાગ્યે કળશ યાત્રા, મંડપ પ્રવેશ સાથે મહાયજ્ઞનો આરંભ થશે.

અવધૂત બાબા અરુણગિરિએ જણાવ્યું છે કે, ૯ દિવસનો મહાયજ્ઞ પર્યાવરણ શુદ્ધીકરણ માટે આદ્યશક્તિની આરાધના માટે પણ અનેરો અવસર બની રહેશે. વૈશ્વિક સ્તરે પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. હકીકતમાં ઓક્સિજનની કમી અને વૃક્ષોના નિકંદન સાથે જ અનેક સંસ્કૃતિ ભયમાં મુકાઇ જશે. બીજી બાજુ યજ્ઞમાં આહુતિ થકી ૧ ટન ઓક્સિજન પેદા થતો હોઈ સુરતનો મહાયજ્ઞ પર્યાવરણ શુદ્ધીકરણમાં મહત્ત્વનું યોગદાન આપશે.