દરેક વ્યક્તિનું સપનું હોય કે પોતાનું ઘર સુંદર રીતે સજાવું. ઘણાં લોકો ઘરની સજાવટ પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. હવે તમને લાગતું હશે કે હું તમને ઘર સજાવટ વિશે કોઈ માહિતી આપવાની છું.
ના, હું તમને ધાંગધ્રા (Dhrangadhra)ના શંભુભાઈ મિસ્ત્રી (Shambhu Mistri) વિશે માહિતી આપવાની છું. જેઓ ખૂબ જ ઓછાં ખર્ચામાં, ઈકો ફ્રેન્ડલી વસ્તુઓમાંથી સુંદર મજાની ઘર સજાવટની વસ્તુઓ બનાવે છે. ‘વેસ્ટમાંથી બેસ્ટ’ આ શબ્દો આપણે ખૂબ જ સાંભળ્યા છે. પરંતુ શંભુભાઈનું આર્ટવર્ક જોઈને તમે માની જ નહીં શકો કે આ આર્ટવર્ક વેસ્ટ વસ્તુઓમાંથી બનાવવામાં આવ્યું છે.
તમે ક્યારેય વાંસ (Bamboo)માંથી બનેલ પાણીની બોટલ વિશે સાંભળ્યું છે? શંભુભાઈ વાંસમાંથી પાણીની બોટલ, વિવિધ ડેકોરેટિવ વસ્તુઓ, પક્ષીઓને દાણા નાખવાનું સ્ટેન્ડ બનાવી આપે છે. આ સિવાય મંદિરમાં ફેંકી દેવામાં આવેલી નારિયેળની કાચલીમાંથી પણ ચા પીવાનો કપ, પક્ષીઓને દાણા નાખવાનું સ્ટેન્ડ, સ્કૂટર, વિવિધ પ્રાણીઓની ડેકોરેટિવ પીસ તેમજ અવનવી વસ્તુઓ બનાવી આપે છે. આ ઉપરાંત તેઓ લાકડાંમાંથી મિનિએચર અને જીક્સો પેઈન્ટિંગ બનાવવામાં પણ માહિર છે.
શંભુભાઈના આર્ટવર્ક વિશે વાત કરીએ તે પહેલાં, થોડી તેમના વિશે વાત કરીએ. શંભુભાઈનો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં જન્મ અને ઉછેર જ થયો હતો. કોલેજના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. પિતા મહાદેવભાઈ મિસ્ત્રીની તબિયત ખરાબ થતાં ભાઈ સાથે વ્યવસાયમાં જોડાઈ ગયા. પરિવારમાં તેમના સિવાય પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે.
શંભુભાઈ શરૂઆતમાં તો ભાઈ સાથે મિસ્ત્રી કામ કરીને ફર્નિચરની વસ્તુઓ જ બનાવતા હતા. તેમની આર્ટ એન્ડ ક્રાફ્ટ (Art & Craft)ની મુસાફરી ચકલીઘર બનાવવાથી થઈ. તેમના ઘરમાં એક પૂઠાનું ઘર લગાવેલ હતું. જેમાં ચકલીનું માળો હતો તે રોજ ઘરેથી નીકળતા અને તેની તરફ જોતા. આમ જોતાજોતા તેમને ચકલી પ્રત્યે અલગ જ લગાવ થઈ ગયો. પણ વરસાદ આવવાથી ચકલીનું ઘર ભીંજાઈને તૂટી ગયું અને માળામાથી ઈંડા નીચે પડીને તૂટી ગયા. આ જોઈને શંભુભાઈને ખૂબ દુઃખ થયું. તેમણે નક્કી કર્યું કે મારી પાસે કલા છે તો હું આ ચકલીઓ માટે લાકડાના મજબૂત ઘર બનાવીશ. તેમના મનમાં સેવા કાર્યનું પણ નિર્માણ થયું. તેમણે પોતાના ઘર પૂરતું જ ચકલીઘર ન બનાવ્યું. પરંતુ તેમણે વર્ષ 2024 સુધીમાં 51,000થી પણ વધુ ચકલીઘર બનાવીને તેનું વિતરણ કર્યું છે. આગામી 2028 સુધીમાં તેમનું લક્ષ્યાંક 1,00,000 ચકલીઘરનું વિતરણ કરવાના છે.
આપણે ઘણી બધી વસ્તુઓને નકામી સમજીને જવા દેતા હોઈએ છીએ. જેમ કે નાળિયેર (Coconut)ની કાચલી, જૂના તેલના ડબ્બા વગેરે. પણ શંભુભાઈ આ વસ્તુઓમાંથી ખૂબ જ ઉપયોગી વસ્તુઓ બનાવતા હોય છે. તેમણે નારિયેળની કાચલીમાંથી વિવિધ પ્રકારની કલાકૃતિઓ તૈયાર કરી છે. મોર, ઘેટું, હરળ, ઘુવડ, કાચબો જેવાં અનેક પ્રાણીઓ, ચા પીવાના કપ, કિટલી, રાધાકૃષ્ણની મૂર્તિ, ફૂલદાની, સ્કૂટર જેવી અનેક કૃતિઓ તૈયાર કરી છે. આ કૃતિઓ બનાવવામાં તેમને સાતથી આઠ કલાકનો સમય જાય છે. સાથે જ તેઓ બાળકોને પણ આની ટ્રેનિંગ આપે છે.
શંભુભાઈ છેલ્લાં પાંચેક વર્ષથી નવોદય વિદ્યાલય, ધાંગધ્રામાં આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસ કરાવે છે. તેઓ બાળકોને વિવિધ વુડન પેઈન્ટિંગ્સ, ડેકોરેટિવ આર્ટિકલ્સ તેમજ નારિયેળની કાચલીમાંથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવતા શીખવે છે. બાળકોને પણ શંભુભાઈ જોડે કામ કરવું ખૂબ જ ગમે છે. આ ક્લાસના કારણે બાળકોની સર્જનાત્મક્તામાં વધારો થાય છે.
શંભુભાઈને ધરતી માતાની ખૂબ જ ચિંતા છે. પ્લાસ્ટિક વેસ્ટને કારણે જમીનને ખૂબ જ મોટાં પ્રમાણમાં નુક્સાન થઈ રહ્યું છે. ત્યારે શંભુભાઈ હંમેશા એવી વસ્તુઓ તૈયાર કરવાનું વિચારે છે, જેના કારણે પર્પાયવરણમાં પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટે. આથી જ તેઓ કુદરતી રીતે પ્રાપ્ત થતાં અને કુદરતને ગકોઈપણ પ્રકારનું નુક્સાન ન પહોંચાડતા વાંસમાંથી પણ અદ્દભૂત વસ્તુઓ તૈયાર કરે છે, વાંસમાંથી ફૂલદાની, ગાડી, કૃષ્ણનો હિંચકો, રમકડાં, અરે પાણી પીવાની બોટલ પણ બનાવી છે.
શંભુભાઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને અદ્દભૂત કારીગરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છીએ.



