ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય

જૂનાગઢ: આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળીના દિવસોમાં યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જેથી વર્ષોથી યોજવામાં આવતી જૂનાગઢની લીલી પરિક્રમા આ વર્ષે બંધ રહેશે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી યોજાતી ગિરનારની લીલી પરિક્રમા દર વર્ષે લાખો લોકો ઊમટી પડે છે. આ વર્ષે પણ ગિરનારની પરિક્રમા અંગે જિલ્લા કલેક્ટરે જાહેરાત કરી છે કે જૂનાગઢની લીલી પરિક્રમા કોરોના રોગચાળાને કારણે બંધ રહેશે.

જૂનાગઢ જિલ્લાના કલેક્ટરે પત્રકાર પરિષદ યોજીને આ વિશે માહિતી આપી હતી. સૌરાષ્ટ્રમાં આ પરિક્રમાનું અનોખું માહાત્મ્ય છે. દર વર્ષે આશરે 10 લાખથી વધારે શ્રદ્ધાળુ લોકો આ પરિક્રમામાં જોડાતા હોય છે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતાં હોવાથી સામાજિક અંતર જાળવવું શક્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં પ્રચલિત માન્યતા છે કે ગિરનારમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. જો આ પર્વતની પરિક્રમા કરવામાં આવે તો 33 કરોડ દેવતાઓના પૂજનનું ફળ પ્રાપ્ત થાય છે. તેવામાં ગિરનારમાં શિવરાત્રીએ અને લીલી પરિક્રમા દરમિયાન મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઊમટી પડે છે.