સંચારબંધીથી શાંત માર્ગો પરથી દબાણો દૂર કરવા મોકળાશ મળી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ અચાનક જ વધી જતાં 60 કલાકની સંચારબંધી લાદી દેવામાં આવી છે. શુક્રવારની રાત્રે સંચારબંધી લાદી દીધા બાદ શહેરના તમામ માર્ગો પરનો વાહનવ્યવહાર અને વેપારથી ધમધમતા વિસ્તારો એકદમ શાંત થઈ ગયા હતા. સંચારબંધીનો અમલ થતાંની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સફાઈ ખાતું, દબાણ ખાતું પોતાના વિસ્તારોમાં કામે લાગી ગયાં હતાં.

એએમસીના સફાઈ વિભાગે માર્ગોની ધૂળ, રેતી, કચરો દૂર કરવા મશીનો, માણસો કામે લગાડ્યા હતા. જ્યારે દબાણ ખાતાની ગાડીઓએ  માર્ગો પરના ગેરકાયદે દબાણો દૂર કર્યાં હતાં. કોરોનાના રોગચાળામાં લોકડાઉનના સમયગાળા દરમિયાન સ્વચ્છતાની કામગીરી ઉત્કૃષ્ટ રીતે બજાવવામાં આવી હતી. આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતા જેવા અનેક વિભાગોને માર્ગો પરનું કામ કરવામાં સરળતા રહેતી હતી.

અમદાવાદમાં ફરી એક વાર કર્ફ્યુ જાહેર થતાં જ દબાણ ખાતાને દબાણો દૂર કરવામાં મોકળાશ મળી ગઈ હતી. વહેલી સવારથી જ દબાણ ખાતાની ગાડીઓ માર્ગો પર દોડતી થઈ ગઈ હતી. ડિવાઇડરો પર, થાંભલાઓ પર લગાડવામાં આવેલી ગેરકાયદે જાહેરાતો, પાટિયાં અને બેનર્સ ઉતારી લેવામાં આવ્યાં હતાં.

સામાન્ય દિવસોમાં જ્યારે દબાણ ખાતાની ગાડીઓ માર્ગો પર કાર્યવાહી કરે છે ત્યારે મોટી અડચણો આવે છે. કેટલીક વાર સ્થાપિત હિતો અને રાજકીય દરમિયાનગીરીને કારણે મુશ્કેલીઓ ઊભી થાય છે. પોલીસ કાફલાનો સહારો પણ લેવો પડે છે, પરંતુ લોકડાઉન અને કર્ફ્યુ જેવા સંજોગોમાં ગમે તેના ગેરકાયદે હોર્ડિંગ્સ  ઉતારવામાં દબાણ ખાતાને સરળતા થઈ જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)