રાણકી વાવ સહિત હેરિટેજ સાઇટ બ્લુ રંગથી રંગાઈ

અમદાવાદઃ યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ બિલ્ડિંગ અને ગુજરાત યુનિવર્સિટીના આઇકોનિક ક્લોક ટાવરને યુનિસેફના ‘વર્લ્ડ ચિલ્ડ્રન ડે’ નિમિત્તે વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે બ્લુ રંગથી શણગારવામાં આવ્યાં હતાં. અનેક લોકો તરત જ આઇકોનિક રાણકી વાવને ઓળખી જશે. આ આર્કિકેચરલ વન્ડરને 11મી સદીમાં બનાવવામાં આવી હતી. રિઝર્વ બેન્ક દ્વારા રૂ. 100ની નવી નોટમાં પણ એને સ્થાન આપવામાં આવ્યું છે. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ ધ ચાઇલ્ડ (UNCRC)ને સ્વીકાર કરવાની યાદમાં દર 20 નવેમ્બરે વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે યોજવામાં આવે છે, જેને 195 દેશોની મંજૂરી મળી છે.

આ પ્રસંગે વાત કરતાં યુનિસેફ ગુજરાતનાં વડાં ડો. લક્ષ્મી ભવાનીએ જણાવ્યું હતું કે યુનિસેફના #GoBlueForChildren કેમ્પેનનું લક્ષ્ય બાળકોના અધિકારો અને જરૂરિયાતોની માહિતી ફેલાવાનો છે, જેથી તેઓ તેમના સામર્થ્યને દર્શાવી શકે. આપણે આ વર્ષે વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણને ખ્યાલ છે કે 2020નું વર્ષ ખૂબ પડકારજનક રહ્યું છે, તેમાં પણ બાળકો માટે કોવિડ-19 ચાઇલ્ડ રાઇટ ક્રાઇસિસ છે. અમે બાળકોને અમારો ટેકો આપવાની વાત કહેવા માટે બ્લુ રંગને પસંદ કર્યો છે.

ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે અમે આ પહેલને ટેકો આપીએ છીએ અને આનંદ અનુભવીએ છીએ. અમે માનીએ છીએ કે બાળકોને પૂરી ક્ષમતાથી આગળ વધવા માટે ટેકા અને સારા પર્યાવરણની જરૂર છે.

આ વર્ષે યુનિસેફના ગ્લોબલ #GoBlueForChildrenના કેમ્પેનને ટેકો આપવા માટે ઓફિસ કોમ્પ્લેક્સિસ અને બિલ્ડિંગ્સ, રાષ્ટ્રપતિ ભવન, કુતુબમિનાર જેવા લેન્ડમાર્ક મોન્યુમેન્ટ્સ અને કોર્પોરેટ ઓફિસિસને બ્લુ રંગથી રોશની કરવામાં આવી રહી છે.