ડ્રગ્સ કેસઃ કોમેડિયન ભારતી સિંહના ઘરેથી ગાંજો મળ્યો

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના મુંબઈસ્થિત ફ્લેટ પર શનિવારે દરોડા પાડીને ગાંજો જપ્ત કર્યો હતો. ત્યાર બાદ NCBએ દંપતીને અટકાયતમાં લીધા હતા. તપાસ એજન્સી દ્વારા અંધેરી, લોખંડવાલા અને વર્સોવા સહિત ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ભારતી અને તેના પતિને NCBએ માદક પદાર્થોના સેવન વિશે પૂછપરછ કરવા માટે અટકાયતમાં લીધા છે. બંનેને વધુ તપાસ માટે NCB એની ઝોનલ ઓફિસમાં લઈ ગઈ છે, એમ NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ NCBની પકડમાં આવેલા એક ડ્રગ પેડલરની તપાસમાં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે દરોડા પાડ્યા હતા. તેના ઘરે દરોડામાં સંદિગ્ધ પદાર્થ મળ્યો છે, જે ગાંજો હોવાનું માનવામાં આવે છે.

NCBનાં સૂત્રોના જણાવ્યા મુજબ ભારતી સિંહ અને તેના પતિ પર પ્રતિબંધિત ડ્રગ્સ લેવાનો આરોપ છે. આઆ દરોડાની કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે, જ્યારે NCB બોલીવૂડમાં ડ્રગ્સના કથિત ઉપયોગને લઈને તપાસનો વ્યાપ વધારી રહી છે. આ તપાસ ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતથી શરૂ થઈ હતી.

આ મહિનાના પ્રારંભે NCBએ ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલના ઘરે દરોડા પાડ્યા હતા અને એની ગર્લફ્રેન્ડ ગેબ્રિયલા ડેમેટ્રાઇડ્સની તપાસ માટે સમન્સ મોકલ્યા હતા. એની બે દિવસ સતત છ-છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. અર્જુન રામપાલની પણ ગયા સપ્તાહે છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.