મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઇ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં એ.આઇ. સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન બનાવનારા એક્સપર્ટસ, પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટ-અપ્સને એક સાથે લાવવાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.
ઇન્ફોસીસ દ્વારા ગિફ્ટ સિટીમાં કાર્યરત થયેલું આ ડેવલોપમેન્ટ સેન્ટર ફિન્ટેક ફ્રેમવર્ક અન્વયે અતિ આધુનિક નાણાંકીય ટેકનોલોજીના સોલ્યુશન પુરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. એટલું જ નહીં, ગ્લોબલ સર્વિસીસ અને ઇનોવેશન પર પણ વિશેષ ભાર અપાશે.
આ ઉપરાંત નાણાકીય સંસ્થાઓ માટે ખાસ તૈયાર કરાયેલ અદ્યતન એનાલિટિક્સ, મશીન લર્નિંગ અને AI-સંચાલિત ઇનસાઇટ્સ પૂરી પાડવામાં આવશે અને ડિજિટલ પેમેન્ટ, સ્માર્ટ કરારો અને એસેટ ટોકનાઇઝેશન માટે સુરક્ષિત, પારદર્શક સોલ્યુશનનું એનાલિસ પણ કરવામાં આવશે. 32 કરોડ રૂપિયાના રોકાણ સાથે કાર્યરત થયેલું ઇન્ફોસીસનુ આ ડેવલોપમેન્ટ સેન્ટર અંદાજે 1,000 થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીના અવસર પણ પૂરા પાડશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ડેવલોપમેન્ટ સેન્ટર ગુજરાતમાં શરૂ કરવા માટે ઇન્ફોસીસનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે “વડાપ્રધાન આગવા વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી દેશનું ટેક અને ફીનટેક હબ બન્યું છે અને વિશ્વના અનેક અગ્રણી આઇ.ટી., ફિનટેક તેમજ ન્યૂ એજ ટેકનોલોજીના એકમો ગિફ્ટ સિટીમાં કાર્યરત છે.”
તેમણે ઉમેર્યું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા ડિજિટલ ઇન્ડિયા મિશનના પરિણામે પાછલા એક દશકમાં ટેકનોલોજીની પરિભાષા બદલાઈ ગઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં પાછલા 11 વર્ષમાં દેશમાં આઇ.ટી. આધારિત ઉદ્યોગો, સેમીકંડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને વિશેષ પ્રોત્સાહન આપવા પોલીસીઝ અને મિશન શરૂ થયા છે. ભારતને સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઇઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર રાખવામાં ગુજરાત લીડ લેવા સજ્જ છે. તેમણે રાજ્યમાં ઇનોવેશન ક્ષેત્રે યુવાઓનું માર્ગદર્શન કરતી “આઈ-ક્રિએટ”ની સ્થાપનામાં ઇન્ફોસીસના સંસ્થાપક નારાયણ મૂર્તિની મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરી હતી.
ઇન્ફોસીસના સી.ઇ.ઓ. જયેશ સંઘરાજિકાએ આ પ્રસંગે ઇન્ફોસીસની પ્રગતિ ગાથા જણાવતા કહ્યું કે “વૈશ્વિક કન્સલ્ટિંગ અને આઇ.ટી. સેવાઓ પ્રદાન કરતી ઇન્ફોસીસ 1981માં સ્થપાયેલી છે.”
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇન્ફોસીસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં પ્રારંભ કરાવ્યો હતો. ₹32 કરોડના રોકાણ સાથે કાર્યરત થયેલ તથા 1000થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીના અવસર પૂરા પાડનાર આ ડેવલપમેન્ટ સેન્ટર ફિન્ટેક ફ્રેમવર્ક અન્વયે અતિ આધુનિક નાણાંકીય… pic.twitter.com/2vTEt3behv
— CMO Gujarat (@CMOGuj) June 7, 2025
વૈશ્વિક સાહસોની સિસ્ટમ્સ અને કાર્યપદ્ધતિઓનું સંચાલન કરવામાં ચાર દાયકાથી વધુના બહોળા અનુભવ સાથે, ઇન્ફોસિસ ૫૬ દેશોમાં તેના ક્લાયન્ટ્સને કુશળતાપૂર્વક માર્ગદર્શન પૂરું પાડે છે અને ૩.૨૦ લાખથી વધુ કર્મચારીઓનું સંખ્યા બળ ધરાવે છે. આ ઉપરાંત ૨૦૨૪માં ઇન્ફોસિસને ભારતના શ્રેષ્ઠ નોકરીદાતાઓમાંના એક તરીકે માન્યતા મળી છે અને મહિલાઓ માટે ભારતના શ્રેષ્ઠ કાર્યસ્થળોમાં સતત ચોથા વર્ષે ટોચની ૫૦ મોટી કંપનીઓમાં સ્થાન પ્રાપ્ત થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, આઇ.એફ.એસ.સી.એ.ના ચેરપર્સન કે રાજારમણ, ઇન્ફોસીસના સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ રજનીશ માલવિયા, નિલાદ્રી પ્રસાદ મિશ્રા અને રાજ્યના આઇ.સી.ટી અને ઇ-ગવર્નન્સ ડાયરેક્ટર શ્રીમતિ કવિતા શાહ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતાં.
