ગણપત યુનિવર્સિટીને NRI પાસેથી રૂ.-પાંચ કરોડનું દાન મળ્યું

મહેસાણાઃ ગણુપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ અને શ્રીમતી મંજુલાબહેન પટેલના શિક્ષણ થકી સમાજ ઉત્થાનના સેવા-કાર્યમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર કાશીરામ પટેલ અને તેમનાં પત્ની શ્રીમતી કાન્તાબહેન તરફથી ગણપત યુનિવર્સિટીને સરકાર માન્ય એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે રૂ.પાંચ કરોડનું દાન મળ્યું  છે. જે થકી કાન્તાબહેન કાશીરામ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સિસ એન્ડ રિસર્ચની સ્થાપના થઈ છે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અત્યાધુનિક અને એડવાન્સ્ડ ટેક્નોલોજી અને સંપૂર્ણ સુવિધા સભર ક્લાસરૂમ તેમ જ ઇમ્પોર્ટેડ સાધનોથી સજ્જ લેબોરેટરી વગેરેની સુવિધા મળશે.

સ્થાપિત એગ્રિકલ્ચર કોલેજ રાજ્યમાં સ્થપાયેલી અન્ય પ્રાઇવેટ એગ્રિકલ્ચર કોલેજ કરતાં ભિન્ન અને શ્રેષ્ઠતમ હશે, જેનો લાભ રાજ્ય અને દેશના તમામ વિદ્યાર્થીઓને મળશે.  કાંતાબહેન અને કાશીરામભાઈનાં સેવા-કાર્યોની અંદર તેમના સંતાનો પણ સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. ગણપત યુનિવર્સિટીના જે કઈ દાન અપાશે એ  ૧૦૦ ટકા સમાજના ઉત્કર્ષ માટે  જ વપરાશે, જેથી તેઓ આ સંસ્થામાં દાન આપવા પ્રેરાયા હતા.  

કાન્તાબેન એન્ડ કાશીરામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રિકલ્ચરલ સાયન્સીસ એન્ડ રિસર્ચમાં ભણતા વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે વૈશ્વિક ધોરણે ઉપયોગમાં લેવાતાં અવનવાં સાધનો, પદ્ધતિઓ અને પ્રયોગોનું શિક્ષણ મળશે.  યુનિવર્સિટીના  ૩૦૦ એકર વિશાળ કેમ્પસમાં 4000 સ્ક્વેર મીટરના વિસ્તારમાં માઇક્રો ફોરેસ્ટ બનાવી આશરે 12,000 જેટલાં વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. કેમ્પસની ખેતીલાયક જમીનમાં વિવિધ ફળો, શાકભાજી, અનાજ, ફૂલ વગેરેની ખેતી વર્ષોથી થતી આવે છે. વળી, જીવામૃત, અળસિયાનું ખાતર, કુદરતી ખાતર વગેરે બનાવવામાં આવે છે, જેના ઉપયોગ થકી વિદ્યાર્થીઓને ફાર્મિંગ ક્ષેત્રે પ્રેક્ટિકલ નોલેજ મળી રહેશે.