નવું વર્ષ, નવી પહેલ, અમદાવાદ એરપોર્ટ પર અદભૂત થનગનાટ 

ઐતિહાસિક વારસો અને અર્વાચીન ટેકનોલોજીથી સુસ્વાગતમ્ -2022

2021ની આપદાઓને મ્હાત આપી નવા વર્ષ 2022ને વધાવવા અમદાવાદ એરપોર્ટ પર અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નખશીખ નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. નવા વર્ષને નવી પહેલ, નવા ઉમંગ અને ઉત્સાહથી વધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના વૈવિધ્યપૂર્ણ સાંસકૃતિક વારસાને ઉજાગર કરવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર મુસાફરોને ગુજરાતની કળા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાના દર્શન કરાવતી આબેહૂબ કૃતિઓ મૂકવામાં આવી છે. ચોમેર રંગબેરંગી રોશની સાથે ગ્રીનરીથી સુશોભિત એરપોર્ટની ઝાંખીને કેમેરામાં કેદ કરવા લોકો સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યા છે.

સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હેરીટેજ સીટી અમદાવાદ સહિત ગરવા ગુજરાતને આગવી ઓળખ અપાવતી કલાકૃતિઓથી સુશોભિત કરવામાં આવ્યુ છે. આપણી ઐતિહાસિક સભ્યતાની ઝલક દર્શાવતા આર્ટ ક્વોટ્સ અને આર્ટ કલ્ચર જાણે સોનામાં સુગંધ ભેળવે છે. એરપોર્ટના ટર્મીનલ-1 પર ઉતરતા જ વૈષ્ણવ દ્વારપાળો મુસાફરોનું ઉષ્માભર્યુ સ્વાગત કરે છે. વળી T2 પર લાકડામાં કંડારવામાં આવેલી ઉત્તમ કોતરણી મહેમાનોને આવકારે છે. 18મી – 19મી સદી દરમિયાન ગુજરાતની હવેલીઓ અને મસ્જિદોમાં કરાયેલી ઐતિહાસીક ડિઝાઇનનું ઉત્કૃષ્ટ પ્રદર્શન નિરૂપિત કરવામાં આવ્યું છે. મુસાફરો આ તમામ ડેકોરેશન સાથેની યાદોને જીવંત રાખતી સેલ્ફી લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

એક તરફ પ્રાચીન કળા વારસાનું પ્રદર્શન અને બીજી તરફ અર્વાચીન ડિજિટલ સ્ક્રીનના શેડ્સ મુસાફરોને જાણે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જીવંત સાક્ષી બનાવે છે. એરપોર્ટની દિવાલો પર રંગબેરંગી કપડામાં વિવિધ પ્રકારની વાર્તાઓ આલેખવામાં આવી છે. ખાસ કરીને હાથવણાટ કરેલા કચ્છના તોરણ, બળદ/ઉંટના કાઠીના કપડાં, શિંગડાની સજાવટ વગેરે ખૂબ જ સ્ટાઇલાઇઝ્ડ લુક આપે છે. 

આ વર્ષે SVPIA ગુજરાતના સર્વાધિક લોકપ્રિય તહેવાર ઉત્તરાણની ઉજવણી માટે સ્થાનિક આર્કિટેક્ટસ-ડિઝાઇનરોની કળા ઉજાગર કરવા માટેનું પ્લેટફોર્મ બન્યું છે. વેવ ઓફ લાઈફશીર્ષક અંતર્ગત પતંગ મહોત્સવ 2022ને આવકારતું ફેબ્રિક કાઈટ ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. CEPTમાં તાલીમ લઈ ચૂકેલા નવયુવાનો દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા અનેકવિધ પંતગો અને કૃતિઓ કોરિડોરને જીવંત બનાવે છે.

નવા વર્ષેની આવકારવામાં પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રીન ઇનિશિએટિવ્સ અંતર્ગત આઉટડોરમાં વાર્ષિક 100 થી વધુ પામ્સ, 5,000 થી વધુ સુશોભન ઝાડીઓ અને 10,000 થી વધુ ફૂલો સાથે એરપોર્ટનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. વળી એરપોર્ટના ઇન્ડોર વાતાવરણને તરોતાજા રાખતા સંખ્યાબંધ ઇન્ડોર પ્લાન્ટસ રાખવામાં આવ્યા છે. આગામી સમયમાં ગ્રીન કવર વધારવા માટે હજારો વૃક્ષો વાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. તો થનગનાટ માટે થઈ જાઓ તૈયાર!