ગણપત યુનિવર્સિટીએ 18મો સ્થાપના દિવસ ઉત્સાહથી ઊજવ્યો

વિદ્યાનગરઃ વિદ્યા દ્વારા સમાજનો ઉત્કર્ષ દેવા ઉદાત્ત કાર્યમંત્ર સાથે આશરે બે દાયકાથી વિદ્યા યાત્રા ખેડી રહેલી ગણપત યુનિવર્સિટીએ ગઈ કાલે 18મો સ્થાપના દિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા એક દિવસનો પગાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સહાય તરીકે યુનિવર્સિટીને અર્પણ કરવામાં આવ્યો હતો. આનંદની વાત એ છે કે યુનિવર્સિટી પરિવાર દ્વારા સ્થાપના દિવસે અર્પણ થતી આવી રકમમાં એટલી જ રકમ ગણપત દાદા અને મંજુલા દાદી તરફથી ઉમેરવામાં આવે છે અને એ વિદ્યાર્થીઓને રાહત તરીકે ચૂકવવમાં આવે છે. આમ જરૂરરિયાતમંદ વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યાંય અટકે નહીં એ જોવામાં આવે છે.

યુનિવર્સિટીના આ 18મા સ્થાપના દિનના પ્રસંગમાં સહભાગી થવા મહેસાણા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રટ એમ. નાગરાજન (IAS) મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા, જ્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટસ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ CA સુનીલભાઈ એચ. તલાટી વિશેષ મહેમાન તરીકે અને સાસ ઇન્ડિયાના રિજિયોનલ ડિરેક્ટર ભુવન નિજ્રહાવન ખાસ મહેમાન તરીકે ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી સમારોહના પ્રારંભે મહેમાનોને હસ્તે દીપ-પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તો ફૂલો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીના ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીની સફળતાનાં અને સિદ્ધિનાં શિખરો તરફ અંગુલિ નિર્દેશ કરતાં કહ્યું હતું કે ગણપત દાદાની પ્રમુખ તરીકેની કામગીરીનાં પાંચ વર્ષ પૂરાં થાય છે અને આ અવસરે યુનિવર્સિટીને રાજ્ય સરકાર તરફથી ફાઇવસ્ટાર રેન્કિંગ પ્રાપ્ત થયું છે. તેમણે વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવેલા મહાસિદ્ધિ સ્વર્ણપદક અને પંચક્રિયાના કોન્સેપ્ટની પણ વિગતે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે યુનિવર્સિટીમાં આજે 18,000 જેટલા વિદ્યાર્થીઓને 100થી વધુ અભ્યાસક્રમો ભણાવવા માટે વિદ્વાન પ્રોફેસરો સહિત 1400 જેટલી વ્યક્તિઓનો વિશાળ યુનિવર્સિટીનો પરિવાર છે. વળી, અહીંના વિદ્યાર્થીઓએ અનેકવિધ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પણ જીત્યા છે.

યુનિવર્સિટીના 18મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે ‘ગુની રિસર્ચ ન્યૂઝ લેટર’નું પણ મહેમાન મહાનુભાવોને હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને અંતે ગણપત દાદાએ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહેલા સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે અન્ય ઉપસ્થિત મહાનુભાવોમાં યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ (ઓનલાઇન), યુનિવર્સિટીના ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્મા, જોઇન્ટ ડિરેક્ટર જનરલ ડેનિયલ મોન્ટપ્લેઇસીર (ઓનલાઇન), ટ્રસ્ટી જયંતીભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.