મહેસાણાઃ મિસાઇલ મેન ડો. અબ્દુલ કલામને વિદ્યાર્થીઓ ખૂબ પ્રિય હતા, જેથી વિશ્વઆખું તેમના જન્મદિવસે ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ ઊજવવામાં આવે છે, જેના ભાગરૂપે ગણપત યુનિવર્સિટીની સાયન્સ કોલેજ- મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ ઊજવવામાં આવ્યો હતો.
દેશના મિસાઇલ સાયન્ટિસ્ટ ડો. કલામના પુસ્તક ‘વિંગ્સ ફ ફાયર’ના સહ-લેખક પ્રો. ડો. અરુણ કે. તિવારીએ કહ્યું હતું કે ડો. કલામે દેશને મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ બનાવવામાં જીવન સમર્પિત કરી દીધું હતું. ડો. કલામના મુખ્ય ત્રણ જીવન-બોધ હતા- કલ્પનાશીલતા, મનનની પવિત્રતા અને ભગવાનમાં વિશ્વાસ. તેમણે વિદ્યાર્થીઓને એક મૂલ્યવાન શીખ આપતાં કહ્યું હતું કે મન અને શરીર વચ્ચે હંમેશાં સંવાદિતા જળવાઈ રહે, તો તમે જે કંઈ કરો એ કાર્ય શ્રેષ્ઠ રીતે કરી શકશો.
નવગુજરાત સમયના એડિટર- ઇન-ચીફ અજય ઉમટે કહ્યું હતું કે કલામ આશાવાદી વલણ ધરાવતા હતા અને તેમણે હંમેશાં સકારાત્મક વાતો કહી હતી. કચ્છના ધરતીકંપ પછીની રાહત પ્રવૃત્તિમાં ડો. કલામની સૂઝબૂઝ અને પ્રમુખસ્વામી મહારાજ સાથેના ધાર્મિક-અધ્યાત્મિક સંબંધોની રસપ્રદ વાતો તેમણે કહી હતી.
ઓનલાઇનયોજાયેલા વેબિનાર કાર્યક્રમમાં ડો. કલામના સાથીદાર ડો. અરુણ કે. તિવારી, અગ્રણી પત્રકાર અજય ઉમઠ, ચાન્સેલર અમને એક્ઝિ. રજિસ્ટ્રાર ડો. અમિત પટેલ સહિત અનેક મહાનુભાવો અને વિદ્યાર્થીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના પ્રારંભે પ્રો. ડો. મહેન્દ્ર શર્મા, એક્ઝિક્યુટિવ ડીન એસ. એસ. પંચોલી, સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. ડો. અમિત પરીખે પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. યુનિવર્સિટીની સાયન્સ કોલેજ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ ડો. દર્શન દેસાઈ, ડો. દિગીશ પટેલ, પ્રો. ઉષ્મા જોશી સહિત અનેક પ્રોફેસરોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.