પટેલ સરકાર વાઇબ્રન્ટ ગુજરાત માટે ‘રોડ-શો’ યોજશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારે જાન્યુઆરી, 2022માં વાઇબ્રન્ટ ગુજરાત યોજવાની તમામ તૈયારીઓ જોરશોરથી શરૂ દીધી છે. સરકાર આ મેગા ઇવેન્ટના આયોજનને આખરી ઓપ આપી રહી છે. રાજ્યમાં 10થી 12 જાન્યુઆરી, 2022માં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ સમીટ યોજાશે. આ પહેલાં 2019માં વાઇબ્રન્ટ ગુજરાત સમીટનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સરકાર વાઇબ્રન્ટ ગુજરાત સમીટ યોજવાના ભાગરૂપે દેશનાં છ મોટાં શહેરોમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં રોડ-શો કરશે. આ રોડ શોમાં ધોલેરા સ્માર્ટ સિટી અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના વિસ્તારોમાં મૂડીરોકાણ કરવા માટે શો કેસ કરવામાં આવશે. આ રોડ શો દરમિયાન અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જાપાન સહિતના દેશોમાં મોટા પાટે રોકાણકારોને આકર્ષવા માટેના પ્રયત્નો કરવામાં આવશે, જેમાં ક્લીન એનર્જી, ફિનટેક, ઇન્ટિગ્રેટેડ ફાર્મા અને ઈનોવેશન ટેક્નોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
ક્લીન એનર્જી, ફિનટેક, ઇન્ટિગ્રેટેડ ફાર્મા અને ઇનોવેશન ટેક્નોલોજી ક્ષેત્રની ફોર્ચ્યુન 500 કંપનીઓને આકર્ષવા માટે સરકાર ખાસ પ્લાન તૈયાર કરશે. સરકાર 2022ની વાઇબ્રન્ટ સમીટને 2019 કરતાં પણ મોટા પાયે યોજવાની તૈયારી કરી રહી છે, એમ ઉદ્યોગ વિભાગ તથા ઇન્ડેક્સ-બીનાં સૂત્રોએ જણાવ્યું હતું.

સરકારે વિશ્વની 500 કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષવા આયોજન કર્યું છે. ખાસ કરીને ટેસ્લા, ગૂગલ, માઇક્રોસોફ્ટ, વોલમાર્ટ અને માસ્ટરકાર્ડ સહિતની ફોર્ચ્યુન 500 કંપનીઓને વાઇબ્રન્ટમાં આમંત્રિત કરવાનો પ્લાન પણ તૈયાર થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. છે. સરકાર દિવાળી બાદ ખાસ માર્કેટિંગ ડ્રાઇવ શરૂ કરશે. એ ઉપરાંત સરકાર વાઇબ્રન્ટ સમિટ પહેલાં જમીન અને મહેસૂલને લગતા સાત મોટા નિર્ણયો લે એવી શક્યતા છે.
આવતા વર્ષે યોજાનારા વાઇબ્રન્ટ સમીટમાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મ સહિત તમામ પ્રકારની બાબતોની મુખ્ય પ્રધાને મેળવી લીધી છે.