ગાંધીનગરના ભૂતપૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ધરપકડ

અમદાવાદઃ ભ્રષ્ટાચાર કેસમાં રાજ્યના ભૂતપૂર્વ IAS એસ.કે. લાંગાની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસે ભૂતપૂર્વ IAS અધિકારીની ધરપકડ કરી છે. ગાંધીનગર કલેક્ટર તરીકેના કાર્યકાળમાં દરમિયાન એસ.કે. લાંગા પર ભ્રષ્ટાચારનો કેસ થયો હતો. આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે ગાંધીનગર કલેકટર તરીકે ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની અને અપ્રમાણસર મિલકત વસાવી હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.. નિવૃત્ત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચિટનીસ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

લાંગા માઉન્ટ આબુમાં હોવાની માહિતીને આધારે ગાંધીનગર પોલીસે ઓપરેશન પાર પાડી ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યા હતા. ગાંધીનગર પોલીસ આ મામલે આવતી કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી જાહેર કરશે. ત્યાર બાદ લાંગાની રિમાન્ડની માગણી કરવામાં આવી શકે છે.

ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ. કે. લાંગાએ પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા.  એ વખતે સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા.

તેમણે એ સમયે મોટાં આર્થિક કૌભાંડો આચર્યા હતા. ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. તેમને આવતી કાલે કોર્ટમાં વિધિવત્ રીતે હાજર કરી રિમાન્ડની માગણી કરવામાં આવે તેવી શક્યતા છે. એસ.કે. લાંગાની ધરપકડથી મહેસૂલી અધિકારીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે. ત્યારે આ મામલે વધુ અધિકારીઓનાં નામ ખૂલે અને તેમની પણ ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.