અમદાવાદઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાટો આવ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા રાજ્ય સરકારની મુશ્કેલીઓમાં વધારો કરશે. 87 વર્ષીય મહેતાએ રાજ્યમાં નાગરિક અને બંધારણીય મુદ્દાઓ પર આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. મહેતાએ ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે હવે લોકો પરિવર્તન ઇચ્છે છે.
તેમણે કહ્યું હતું કે દેશ એવી પરિસ્થિતિમાં આવી ગયો છે કે દરેક ન્યાયપ્રેમી, સંવેદનશીલ, જાગ્રત નાગરિક કહી રહ્યો છે. હવે બહુ થયું. દેશ પરિવર્તન ઇચ્છે છે. ગુજરાત પરિવર્તન ઇચ્છે છે. લોકશાહીના નામે સરમુખત્યારશાહી ન ચલાવવી જોઈએ અને વિકાસને નામે વિનાશ ન થાય તો ચૂપ રહેવું જોઈએ નહીં. મહેતાએ કહ્યું હતું કે તેઓ ચૂંટણી લડવાના નથી, પરંતુ પરિવર્તન માટે લોકોને જાગ્રત કરશે.
તેમણે જણાવ્યું હતું કે અમે ગુજરાતના નાગરિકો ફરી એક વાર ગુજરાતને સ્વસ્થ, સુરક્ષિત અને સમાન સમૃદ્ધ રાજ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ માટે લોકોને જાગ્રત કરવામાં આવશે. રાજ્યનાં ભવિષ્ય (બાળકો) કુપોષિત અને નબળાં છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણની બાબતમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. જે રીતે પ્રાથમિક શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે અને સરકારી શાળાઓ પૂરતા ઓરડાઓ વિના બંધ થઈ રહી છે તેનો અર્થ એ છે કે રાજ્ય સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરીને શિક્ષણની જવાબદારી પોતાના માથે લેવા માગતી નથી.
#Gujarat's Former CM Suresh Mehta's major allegations against Govt,"3.01 lakh crore budget for 2023-24, Govt shows 50K crores more expenditure in current budget than in 22-23 budget,but 4 documents explaining the addl expenditure have not been released by govt."@NewIndianXpress pic.twitter.com/VbnDrQZeMH
— Dilip Singh Kshatriya (@Kshatriyadilip) March 3, 2023
રાજ્ય સરકાર વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓની વાતો કરે છે, પરંતુ યુવાનોને અભ્યાસ માટે વિદેશ જવાની ફરજ પડી રહી છે. રાજ્યમાં ખેડૂતોની હાલત પણ ખરાબ છે. નર્મદાનું પાણી ગુજરાતની જીવાદોરી બનવાનું હતું, પરંતુ હવે તે રાજકીય હિતો અને તેના આર્થિક હિતોની જીવાદોરી બની ગયું છે. ભ્રષ્ટાચાર, બેરોજગારી, શિક્ષણ અને ધર્મના નામે ચાલતું રાજકારણ લોકશાહીની ઈમારતને નબળું પાડી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
આશરે એક વર્ષનો મુખ્ય મંત્રીનો કાર્યકાળ
87 વર્ષીય સુરેશ મહેતા 21 ઓક્ટોબર, 1995એ રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા. તેઓ 19 સપ્ટેમ્બર, 1996 સુધી CM હતા. મહેતા ગુજરાતના CM બન્યા ત્યારે તેઓ કચ્છની માંડવી બેઠક પરથી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા.