અનોખી પહેલ, ‘એક બાલ એક વૃક્ષ’ પ્રોજેક્ટ હેઠળ 45,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ

વિવિધ પ્રકારની પહેલ મારફતે વંચિત સમુદાયોનું ઉત્થાન કરવા માટે સમર્પિત એક દાયકા જૂની સંસ્થા ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (કેઆરએસએફ)એ ‘એક બાલ એક વૃક્ષ’ પ્રોજેક્ટનું અમલીકરણ કરવા માટે હાલમાં જ રાજ્યના વન વિભાગ સાથે હાથ મિલાવ્યાં છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં આવેલી 200 શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આ જિલ્લાઓમાં 45,000 જેટલા વૃક્ષો વાવવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કેઆરએસએફ આ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને ધોરણને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. આ બંને જિલ્લાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને વન વિભાગના વિવિધ રેન્કના અધિકારીઓ દ્વારા આ પહેલને સમર્થન પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ મૂળભૂત રીતે સાબરકાંઠા જિલ્લાના માનનીય કલેક્ટર નૈમિષ દવેનો વિચાર હતો. જેમણે હરિયાળા સાબરકાંઠાના વિઝનને સાકાર કરવાનું સપનું જોયું હતું. તેમના વિઝનમાંથી પ્રેરણા લઇને કેઆરએસએફએ આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવાની પહેલ કરી છે. આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં બાળકો દ્વારા લગભગ 25,000 વૃક્ષો રોપી દેવામાં આવ્યાં છે.

કેઆરએસએફના પ્રેસિડેન્ટ ઉદય દેસાઇએ જણાવ્યું હતું કે, ‘એક બાલ એક વૃક્ષ’ એ ફક્ત કોઈ વૃક્ષારોપણનો પ્રોજેક્ટ નથી. આ પ્રોજેક્ટ પાછળનો વિચાર વિદ્યાર્થીઓ પાસે વૃક્ષારોપણ કરાવી પર્યાવરણનું સંરક્ષણ કરવાની પ્રવૃત્તિઓમાં તેમને સામેલ કરવાનો તથા તેમની જ પાસે આ વૃક્ષોનું જતન કરાવી તેમનામાં વૃક્ષો પ્રત્યેની જવાબદારીનો ભાવ પેદા કરવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક વિદ્યાર્થીએ તેમની શાળાના પરિસરમાં તેમના ગામમાં અથવા તો તેમના ઘર નજીક એક વૃક્ષ વાવશે અને દરરોજ તેની કાળજી લેશે, પાણી પીવડાશે અને તેનું જતન કરશે તથા આ વૃક્ષનો સારી રીતે ઉછેર થાય તેની ખાતરી કરશે.

ગત વર્ષે રાજ્યના વન વિભાગ સાથે ભેગા મળીને કેઆરએસએફ દ્વારા પ્રાયોગિક પ્રોજેક્ટ તરીકે 4,000 વૃક્ષો વાવવામાં આવ્યાં હતા. આ વૃક્ષોનો જીવિત રહેવાનો દર 93% હતો. જે ખરેખર અસાધારણ છે. પ્રાયોગિક ધોરણે હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટમાંથી પ્રોત્સાહન મેળવીને વન વિભાગ અને માનનીય કલેક્ટરે આ વર્ષે આ કાર્યક્રમને વિસ્તારીને સમગ્ર સાબરકાંઠા જિલ્લાને તેના હેઠળ આવરી લેવાનો નિર્ણય લીધો હતો.

આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવા માટે રાજ્યના વન વિભાગ દ્વારા વિવિધ પ્રકારના લગભગ 50 જેટલા રોપાઓ પૂરાં પાડવામાં આવ્યાં હતાં. આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવા માટે રાજ્યના વન વિભાગે લગભગ 50 અલગ-અલગ પ્રકારના રોપાઓ પૂરાં પાડ્યાં હતાં. બાળકો દ્વારા વાવવામાં આવનારા મોટાભાગના વૃક્ષો ફળો આપનારા વૃક્ષો છે. તેનો અર્થ એ થયો કે વિદ્યાર્થીઓ ફક્ત તેમના માટે જ નહીં પણ તેમની ભવિષ્યની પેઢીઓ માટે પણ કામ કરશે, કારણ કે આ વૃક્ષોના ફળો તેમની આગામી પેઢીઓ પણ ભોગવી શકશે. આ પ્રોજેક્ટ દ્વારા કેઆરએસએફ વિદ્યાર્થીઓને પર્યાવરણના સંરક્ષણ માટે નિઃસ્વાર્થ છતાં ગંભીર પ્રયત્નો કરવાના મહત્ત્વને સમજાવવા માંગે છે. સમાજના ભલા માટે વિવિધ સામાજિક સમસ્યાઓને ઉકેલવા કેઆરએસએફએ સમયાંતરે અન્ય ઘણી બધી સંસ્થાઓ સાથે સહયોગ સાધ્યો છે.

ગુજરાતના 650 ગામોમાં આવેલી 665 જેટલી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવા માટે કેઆરએસએફ છેલ્લાં એક દાયકાથી પણ વધારે સમયથી નિરંતર અને સફળતાપૂર્વક પ્રયત્નશીલ છે. ઉદય દેસાઇએ આગળ જણાવ્યું હતું કે, ‘વધુને વધુ વૃક્ષો વાવવા અને આ જિલ્લાઓને હરિયાળા બનાવવા માટે જરૂરી તમામ સપોર્ટ પૂરો પાડવા બદલ અમે રાજ્યના વન વિભાગના ખૂબ આભારી છીએ. વાસ્તવમાં તો વન વિભાગના અધિકારીઓ ખાસ કરીને આ જિલ્લાઓના રેન્જ ફોરેસ્ટ ઑફિસર, ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઑફિસર અને ડિસ્ટ્રિક્ટ કન્ઝર્વેશનિસ્ટ ઑફ ફોરેસ્ટએ વૃક્ષોને કેવી રીતે વાવવા જોઇએ તથા આ વૃક્ષો વર્ષો વર્ષ જીવિત રહી શકે તે માટે તેમની કાળજી કેવી રીતે લેવી અને તેમનું જતન કેવી રીતે કરવું તે શીખવવા માટે 200 શાળાઓમાં શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમો યોજ્યાં હતાં.

વૃક્ષારોપણ થઈ જાય તે પછી આ પ્રોજેક્ટ યોગ્ય દિશામાં આગળ વધે તેની ખાતરી કરવા માટે રાજ્ય સરકારે એક પોર્ટલ પણ વિકસાવ્યું છે, જેની પર વૃક્ષારોપણ અને આ વૃક્ષોના વિકાસના વિવિધ તબક્કાઓનું દસ્તાવેજીકરણ કરતાં ફોટાઓને સમયાંતરે અપલૉડ કરવામાં આવી રહ્યાં છે. તેનાથી વિવિધ તબક્કે આ પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખી શકાશે અને આ વૃક્ષોનો જીવિત રહેવાનો ઊંચો દર જળવાઈ રહે તેની ખાતરી પણ થઈ શકશે.