અમદાવાદઃ ગુજરાત પર હાલ વાવાઝોડાના સંકટ વચ્ચે ‘હિકા’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડું ચોથી અને પાંચમી જૂનના રોજ રાજ્યના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી દહેશત છે. ‘હિકા’ વાવાઝોડું કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ઘમરોળીને રાજસ્થાન તરફ આગળ વધશે અને ત્યાં જ વિખેરાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
અગાઉ હિકા વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાનું હતું. પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. હવામાન સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
હવામાન વિભાગે 31 મે સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે.
આગામી 4 અને 5 જૂનના રોજ દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે. આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.
અરબી સમુદ્રામાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને જામનગર, પોરબંદર, ભાવનગર, મોરબી અને જાફરાબાદમાં 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.