લોકડાઉનમાં ટેલિવિઝન સમાચાર અને સોશિયલ મીડિયાનું પ્રાધાન્ય…

અમદાવાદ: છેલ્લા બે મહિના કરતાં પણ વધારે સમયથી આપણે સહુ જ્યારે લોકડાઉનમાં છીએ તેવા સમયે આપણી ઘણી આદતો બદલાઈ છે. ખાસ કરીને ઘરે બેઠા વિવિધ માધ્યમોનો વપરાશ કરવામાં ઘણું પરિવર્તન આવ્યું છે જેના પરિણામ સ્વરૂપે આ સમયગાળામાં લોકોએ સમાચાર જોવા માટે પહેલા ટીવી સમાચાર, બાદમાં સોશિયલ મીડિયા અને ત્રીજા નંબરે અખબારોની પસંદગી કરી છે. અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ (NIMCJ) દ્વારા થયેલા સર્વેક્ષણમાં આ તારણો સામે આવ્યા છે.

આ સર્વેક્ષણ માટે એવી પૂર્વધારણા બાંધવામાં આવી હતી કે યુવાનો, વ્યવસાયિકો, ગૃહિણીઓ લોકડાઉનના સમયમાં પોતાનો મહત્તમ સમય ઓનલાઇન રમતો રમવામાં, ફિલ્મો અને વેબસિરીઝ જોવામાં પસાર કરે છે પરંતુ પરિણામો અને તારણો કંઈક જુદા જ જોવા મળ્યા હતાં.

‘એક્સપ્લેનેટરી રીસર્ચ મેથડ’ આધારિત આ સર્વેક્ષણમાં પ્રશ્નોત્તરીને લોકોની માધ્યમ અગ્રતા, ડેટા, માધ્યમ સામગ્રીનો ઉપયોગ વગેરેના આધારે તૈયાર કરવામાં આવી હતી. ડેટા વિવિધ પ્રકારના ચલો જેવા કે ઉંમર, જાતિ, શૈક્ષણિક યોગ્યતા, સામગ્રી ઉપયોગની ક્ષમતા, ડિજિટલ માધ્યમો પર થતી પ્રવૃત્તિઓ અને નકલી સમાચારોની ગંભીરતા પર આધારિત હતા. કુલ ૬૩૫ લોકોએ પ્રતિસાદ આપ્યો હતો જેમાં મુખ્યત્વે ગુજરાત અને તે સિવાય ઉત્તર-પૂર્વી રાજ્યો, મધ્ય ભારત, ઉત્તર અને દક્ષિણ ભારતના એમ કુલ મળીને ૧૩ રાજ્યોમાંથી લોકોએ પ્રતિસાદ આપ્યો હતો.

સમગ્ર સેમ્પલનું ડેટા વિશ્લેષણ કરતાં કેટલાંક રસપ્રદ તથ્યો સામે આવ્યા છે. ૧૮થી ૨૪ વર્ષની વયના લોકોએ સૌથી વધુ એટલે કે ૩૩.૩ ટકા પ્રતિસાદ આપ્યો છે જે પૈકી ૬૬.૫ ટકા પુરુષો છે. સ્નાતકો અને અનુસ્નાતકોની સંખ્યા અનુક્રમે ૩૯.૩ ટકા અને ૪૩.૧ ટકા છે. વિદ્યાર્થીઓ ૨૬.૫ ટકા અને નોકરી કરનારા, વ્યવસાયીઓ એમ ૨૪.૮ ટકા લોકોએ પ્રતિસાદ આપ્યો હતો.

ડેટા વિશ્લેષણમાં સામે આવેલા કેટલાક મહત્વના કારણો જોઈએ તો લોકડાઉનના સમયગાળામાં અન્ય ઉપલબ્ધ વિકલ્પોની સરખામણીમાં ૬૧.૫ ટકા નાગરિકોએ મોબાઇલ ડેટાનો ઉપયોગ ઓનલાઇન રહેવા માટે કર્યો. ૬૯.૫ ટકા લોકોએ સમાચાર જોવા માટે ટેલિવિઝનને પ્રાધાન્ય આપ્યું, બાદમાં સોશિયલ મીડિયા ૫૪.૫ ટકા અને અખબારો ૩૫.૫ ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યા. સમગ્ર ડેટામાં તમામ વયજૂથના લોકોને (૬૫.૦ ટકા) પોતાની માતૃભાષા/ પ્રાદેશિક ભાષામાં સમાચારો મેળવવામાં રસ હોવાનું પ્રતિપાદિત કર્યું.

આ ઉપરાંત નાગરિકોએ ટેલિવિઝન પર પસંદગીના કાર્યક્રમોમાં  ફિલ્મો (૬૫ ટકા ) બાદમાં સંગીત (૩૭.૪ ટકા), અન્ય કાર્યક્રમો (૩૪.૩ ટકા) અને રોજિંદા ધારાવાહિકો (૩૧.૫ ટકા) જોવાનું પસંદ કર્યું. “તમે શા માટે ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરો છો?” એવા પ્રશ્નના જવાબમાં ૭૦ ટકા પ્રતિસાદકર્તાઓએ  માહિતી મેળવવા, ૬૩.૪ ટકા લોકોએ કામ કરવા અને ૬૧.૪ ટકા લોકોએ મનોરંજન માટે  ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરતા હોવાનું પ્રતિપાદિત કર્યું.

લોકડાઉન દરમિયાન સૌથી વધારે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ૯૩.૪ ટકા સાથે વોટ્સઅપ રહ્યું, બાદમાં  ૬૯.૧૦ ટકા સાથે યુટ્યુબ અને ત્રીજા નંબરે ૫૯.૫ ટકા સાથે ફેસબુક રહ્યું. કોવિદ – ૧૯ના સત્તાવાર, ખરાઇ કરેલા સમાચારો માટે પણ ટેલિવિઝન ૬૯ ટકા સાથે આગળ રહ્યું બાદમાં અખબારો ૪૮.૨ ટકા અને સોશિયલ મીડિયા ૨૭.૭ ટકા સાથે ત્રીજા નંબર પર રહ્યું.

નકલી અથવા ખોટા સમાચારોથી બચવા માટેના ઉપાયોના જવાબમાં ૭૮ ટકા પ્રતિસાદકર્તાઓએ તેઓ સત્તાવાર વેબસાઇટ અથવા પોર્ટલ પર ખરાઇ કરતા હોવાનું જણાવ્યું જ્યારે બીજો ક્રમ  ૩૧.૫૦ ટકા સાથે ” નિષ્ણાતો દ્વારા ખરાઇ” પદ્ધતિનો રહ્યો. લોકડાઉનના સમયગાળામાં ઓનલાઇન માધ્યમના વપરાશમાં જબરદસ્ત ઉછાળો આવ્યો, કોવીદ – ૧૯ પહેલા “તમે ઓનલાઇન કેટલો સમય પસાર કરતા હતા?” તેના જવાબમાં 30% સમય પસાર કરતા હોવાનું તારણ નીકળ્યું હતું જ્યારે લોકડાઉનમાં આ સમયગાળો ૫૦ ટકા સુધી પહોંચી ગયો હતો.

સમગ્ર પ્રક્રિયા સંસ્થાના નિયામક ડો. શિરીષ કાશીકર, પ્રાધ્યાપક ડો. શશીકાંત ભગત તથા ટીમના સભ્યો દ્વારા કરવામાં આવી.