પ્રસિદ્ધ જ્યોતિષી બેજાન દારુવાલાનું કોરોના બીમારીથી નિધન

અમદાવાદ : પ્રસિદ્ધ જ્યોતિષી બેજાન દારુવાલાનું 90 વર્ષની ઉંમરે આજે અમદાવાદની અપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. બેજાન દારુવાલાના પુત્ર નાસ્તુર દારૂવાલાએ જણાવ્યું કે તેમને ન્યૂમોનિયાની તકલીફ હતી. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, બેજાન દારુવાલા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. કોરોના વાયરસના કારણે તેમનું નિધન થયું છે.તેમના નિધન પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ટ્વિટ કર્યું છે. સીએમ રૂપાણીએ ટ્વિટ કર્યું હતું કે પ્રસિદ્ધ જ્યોતિષી શ્રી બેજાન દારૂવાલાના નિધનથી દુઃખી છું. હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.

આંતરરાષ્ટ્રીય તરીકે ખ્યાતિ પામેલા જ્યોતિષવિદ્ બેજાન દારૂવાલાનું નિધન થતા જ્યોતિષી આલમમાં શોક છવાઈ ગયો છે. બેજાન દારૂવાલાને 19 મેના રોજ ફેફસાના ઇન્ફેક્શનના કારણે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને દારૂવાલાના પરિવારને પણ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યો હતો.

બેજાન દારૂવાલાને ફેફસાંનું ઇન્ફેક્શન હોવાનું પ્રાથમિક કારણ પણ મળ્યું હતું, જે બાદ તેમને આઈસીયુમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. બેજાન દારૂવાલાને છેલ્લા ત્રણ-ચાર દિવસથી શ્વાસની તકલીફ પણ રહેતી હતી. કોરોના પ્રાથમિક લક્ષણો જણાતા તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આ અંગે તેમના પુત્રએ ઇન્કાર કર્યો હતો.

બેજાન દારૂવાલા અનેક અંગ્રેજી અને ગુજરાતી સહિત અનેક અખબારોમાં નિયમિત રીતે જ્યોતિષ ભવિષ્ય અંગે લેખ લખતા હતા. બેજાન દારૂવાલા ખાસ હસમુખા સ્વભાવના અને રંગીન કપડાં પહેરવાના શોખીન હતા. 90 વર્ષની ઉમરમાં તે પોતાના સ્વભાવને કારણે જ્યોતિષ આલમમાં ખૂબ જ ચર્ચિત હતા.

જ્યોતિષોની દુનિયામાં તેમના એક પણ અનુમાનો અત્યાર સુધી ખોટા નથી પડ્યા. બેજાન દારૂવાલાનો જન્મ 11 જૂલાઈ 1931ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ અંગ્રેજીના પ્રોફેસર પણ રહી ચૂક્યા હતા. બેજાન દારૂવાલાએ 2019માં નરેન્દ્ર મોદી જ ફરીથી વડાપ્રધાન બનશે તેવી આગાહી કરી હતી. સંજય ગાંધીના મોતની ભવિષ્યવાણીને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]