અમદાવાદઃ કોંગ્રેસના વધુ એક નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકડાઉન 4.0 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે પરંતુ કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એમાં પણ રાજ્યનું મહાનગર અમદાવાદ તો કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. કોરોના વાયરસના સંક્રમણથી હવે નેતાઓ પણ બાકાત રહ્યા નથી. અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 10થી વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી ચૂક્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ તેમનો પુત્ર અર્પણ શર્મા પણ કોરોના પોઝિટિવ હોવાનું નીકળ્યું છે. હાલ બંનેને SVP હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.

વિપક્ષી નેતા દિનેશ શર્માનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની પુત્રી અને તેમના પત્નીને હોમ ક્વોરેન્ટાઈ કરાયા છે. Amcના આ વિપક્ષી નેતા પણ ઈન્ડિયા કોલોની વોર્ડના છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા  અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને કોરોના હોવાનું બહાર આવ્યું હતું. ભાજપના પ્રમુખ જગદીશ પંચાલને 2 દિવસથી તાવ આવતો હતો.

Amc દ્વારા કોરોનાની સારવાર માટે 42 ખાનગી હોસ્પિટલ નક્કી કરાઈ છે. ત્યારે આ 42 ખાનગી હોસ્પિટલ મામલે મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો આદેશ કર્યો છે. જે મુજબ હવે આસિસ્ટન્ટ કમિશનર દ્વારા આ હોસ્પિટલોની કામગીરી પર દેખરેખ રાખવામાં આવશે. દરેક હોસ્પિટલમાં શિફ્ટ મુજબ કર્મચારીઓને ફરજ બજાવવાની રહેશે. કોરોના દર્દીઓની સંખ્યા અને સારવાર અંગે પણ તેઓએ અપડેટ લેવાના રહેશે.