રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહીઃ વડોદરા જળબંબોળ

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાનો સત્તાવાર બેસી ગયું છે. રાજ્ય ઠેર-ઠેર વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગે વલસાડમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. રાજ્યમાં જૂનના અંતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરામાં જળબંબોળની સ્થિતિ વચ્ચે અમદાવાદ અને મહેસાણામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદમાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છે.બીજી તરફ, વડોદરા શહેરમાં સતત ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સતત વરસાદને કારણે વડોદરાના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. રાવપુરા, ચાર દરવાજા વિસ્તાર, માંજલપુર ગામ, MS યુનિવર્સિટી ગેટ પાસે પાણી ભરાઈ જતા ટ્રાફિક જામનાં પણ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

રાજ્યમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. ભાવનગરના ઘોઘામાં 3 ઇંચ, ભરૂચ, સુરેન્દ્રનગરના સાયલા અને રાજકોટના ધોરાજીમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અમરેલી, જૂનાગઢના ભેંસાણ, ગીરસોમનાથના વેરાવળ, ભાવનગર, સુરતના માંગરોળ, ભરૂચના વાગરા, વલસાડના વાપીમાં પણ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગીરસોમનાથના ગીર ગઠડા, સુત્રાપાડા અને કોડિનાર, ભરૂચના અંકલેશ્વર, બોટાદ, રાજકોટના ગોંડલ, ભાવનગરના સિહોર, જૂનાગઢ શહેર અને તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ, અમરેલીના બાબરા અને અરવલ્લી મોડાસામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને વલસાડના વાપીમાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.