દુઃખદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કન્નડ અભિનેતા સૂરજકુમારનો જમણો પગ કાપવો પડ્યો

બેંગલુરુઃ કન્નડ ફિલ્મોના યુવા અભિનેતા સૂરજકુમાર, જે ફિલ્મ ઉદ્યોગમાં ધ્રુવણ તરીકે જાણીતા છે, એમને એક ભયાનક રોડ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં એમનો જમણો પગ કાપવો પડ્યો છે. 37 વર્ષીય સૂરજ ગયા શનિવારે એમની બાઈક પર મૈસુરુ-ગુંડલુપેટ હાઈવે પર જઈ રહ્યા હતા ત્યારે બેંગલુરુ જિલ્લાના બેગુર નજીક અકસ્માત નડ્યો હતો. એમને મૈસુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં સૂરજના જમણા પગમાં ગંભીર રીતે ઈજા થઈ હતી.  ડોક્ટરોને સૂરજનો જાન બચાવવા માટે એમનો જમણો પગ કાપી નાખવાની ફરજ પડી હતી. સૂરજકુમાર ફિલ્મ નિર્માતા એસ.એ. શ્રીનિવાસના પુત્ર છે અને દંતકથાસમાન કન્નડ અભિનેતા સ્વ. રાજકુમારના ભત્રીજા છે.

તે અકસ્માત શનિવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ થયો હતો. સૂરજ ઊટીથી મૈસુરુ એમની મોટરબાઈક પર જતા હતા. હાઈવે પર એક ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો એમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ એમ કરતી વખતે તેઓ બાઈક પરનો કાબૂ ખોઈ બેઠા હતા અને સામેથી આવતી એક ટ્રક સાથે અથડાઈ પડ્યા હતા. એને કારણે એમના જમણા પગમાં ખૂબ જ ઈજા થઈ હતી. એમને તરત જ મૈસુરુની મણિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જીવનાવશ્યક સારવાર કરીને સૂરજનો ઘૂંટણ નીચેનો પગ કાપી નાખ્યો હતો.

સૂરજને મોટરબાઈક ચલાવવાનો ખૂબ જ શોખ છે. તેઓ ઘણી વાર મોટરબાઈક સાથેની એમની તસવીર ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરતાં રહ્યા છે. સૂરજે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે એમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. એમણે ઐરાવત અને તારક ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકેની કામગીરી નિભાવી હતી.

(તસવીર સૌજન્યઃ ધ્રુવણ ઈન્સ્ટાગ્રામ)