અગ્નિકાંડની પ્રથમ પુણ્યતિથિ, રાજકોટ સજ્જડ બંધ

રાજકોટ: એક મહિના પહેલા રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી ભિષણ આગની દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા અને પીડિત પરિવારોને ન્યાય અપાવવાની માગણી સાથે કોંગ્રેસે આપેલા બંધના એલાન ને આજે રાજકોટના લોકોએ પૂરું સમર્થન આપી ધંધા – રોજગાર બંધ રાખ્યા હતા. વર્ષો બાદ કોંગ્રેસે આપેલા બંધના એલાનને રાજકોટમાં સફળતા મળી હતી.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ , ઇન્દ્રનીલ રાજ્યગુરુ, અતુલ રાજાણી સહિતના આગેવાનો રાજકોટની બજારમાં આજે સવારે ફર્યા હતા અને વેપારીઓનો આભાર માન્યો હતો. રાજકોટની મુખ્ય એવી ધર્મેન્દ્રરોડ, પરાબજાર, યાજ્ઞિક રોડ, સદર બજાર, ગરેડીયા કૂવા રોડ સહિતની બજારો સવારથી બંધ રહી હતી. બંધનું એલાન બપોરે બે વાગ્યા સુધી જ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ સેવાદળના રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી કાર્યકરો રાજકોટ આવ્યા છે અને વેપારીઓને માનવતાનો આ મુદ્દો હોવાથી, બંધ પાળવા અપીલ કરી હતી.

આજે રાજકોટમાં બંધ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો સ્કૂલ બંધ કરાવવા નીકળ્યા ત્યારે કેટલાક કાર્યકરો સાથે માથાકૂટ થઈ હતી. કેટલાક કાર્યકરોની અટક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આજે સવારે બંધના એલાનને ટેકો આપવા બદલ રાજકોટના લોકો અને વેપારીઓનો આભાર માન્યો હતો. અને જ્યાં સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસ આ લડત ચાલુ રાખશે તેવુ જણાવી પદાધિકારીઓ સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.

દેવેન્દ્ર જાની, રાજકોટ

તસવીરો, નીશુ કાચા