ભરૂચઃ શહેરની વેલફેર હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરના ICUમાં મોડી રાતે એક વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 18 લોકો ગંભીર રીતે દાઝી જવાથી મોતને ભેટ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન પુરજોશમાં હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મૃત્યુઆંક વધવાની પૂરી સંભાવના છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભરૂચની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુઃખદ ઘટનામાં મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને તેમના પરિવારજનોને સંત્વના પાઠવી છે અને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ભરૂચની હોસ્પિટલની આગની તપાસ કરવા બે સિનિયર અધિકારીઓને ભરૂચ મોકલ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પણ ભરૂચની દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલા આગ અકસ્માતથી હું ખૂબ દુ:ખી છું. હું આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.
— Amit Shah (@AmitShah) May 1, 2021
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલફેર હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં અનેક કોરોના સંક્રમિત દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહીં હતી. આ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 27 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેમાંથી અનેક દર્દીઓ બેડ પર જ જીવતા ભડથું થઈ ગયા હોવાના હેવાલ સાંપડ્યા છે..આ હોસ્પિટલના કોવિડ વોર્ડના ICU -1માં અચાનક આગ લાગતાં 18 જેટલા દર્દીઓ બળીને ભડથું થઇ ગયા હોવાના પ્રાથમિક અહેવાલ હતા.
ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર IAS અધિકારીઓને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનાની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે.
— Vijay Rupani (@vijayrupanibjp) May 1, 2021
આ હોસ્પિટલમાં દાખલ થયેલા અન્ય દર્દીઓને રેસ્ક્યુ કરી જિલ્લાની અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
આ હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગે પ્રસરતાં ભરૂચના પશ્ચિમ વિસ્તારના ચારથી 5000 લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યા હતા. આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે અરજી કરી રહ્યા હતા. આ આગની ઘટનાને પગલે 25થી વધુ એમ્બ્યુલન્સો બચાવ કામગીરીમાં લાગી હતી. તેમ જ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયરબ્રિગેડનાં વાહનો ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગ્યા હતા. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના મળી પાંચ આગ લાગવાની ઘટના બની છે.