વાતાવરણમાં પલટોઃ કમોસમી વરસાદ, ભારે પવન ફૂંકાવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યના છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ત્રણ દિવસમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવે એવી શક્યતા છે. રાજ્યમાં 32થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.  

રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વાવાઝોડાની આગાહી વચ્ચે દાહોદ અને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. લીમખેડા  સહિત આસપાસના  વિસ્તારમાં  કમોસમી વરસાદી માવઠું પડ્યું હતું. આ માવઠું પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે વાવાઝોડા અને કમોસમી વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે જ અનેક ઠેકાણે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. આ વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે તો કેરી સહિતનાં પાક પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે.

 હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, ડાંગ, અંબાજી, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, દાહોદ. પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા સહિત અનેક ઠેકાણે વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. જેથી નવસારીના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં કેરીના પાકને નુકસાનની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. અંબાજીમાં વાતાવરણ પલટાયું છે. વરસાદી વાદળોથી વાતાવરણમા ઠંડક પ્રસરી છે અને બપોર પછી કમોસમી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. અહીં ઘેરાયેલાં વાદળોને લઈ ખેડૂતોમાં પણ ચિંતાનાં વાદ઼ળો છવાયાં છે.