કેલિફોર્નિયા દ્વારા ભારતને વિવિધ સાધનોની સહાય મોકલાઈ

કેલિફોર્નિયાઃ ભારતમાં કોરોનાનો કહેર મચ્યો છે. પ્રતિદિન ૩.૫૦ લાખથી વધુ નવા કેસ અને ૩COOથી વધુ મોત નોંધાઈ રહ્યા છે. ભારતમાં કોરોનાના દર્દીઓ વધવાની સાથે ઓક્સિજન સહિતની સાધનસામગ્રીની અછત ઊભી થઈ છે, ત્યારે વિશ્વના અનેક દેશો દ્વારા સહાય મોકલવામાં આવી રહી છે. અમેરિકાથી પણ સહાય મોકલવાની શરૂઆત થઈ છે, જેમાં કેલિફોર્નિયા દ્વારા ભારતને વિવિધ સાધનોની સહાય મોકલવામાં આવી રહી છે.

(ફોટોઃ- કેલિફોર્નિયાના 40મા ગવર્નરઃ ગેવિન ન્યુઝોમ)

કેલિફોર્નિયાના ગર્વનર દ્વારા આ પહેલને ત્યાંના ભારતીય અગ્રણીઓએ બિરદાવી છે અને આ કાર્યમાં અમેરિકામાં વસતા ભારતીયો પણ જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. અમેરિકા દ્વારા ભારતને વિવિધ તબીબી સહાય પૂરી પાડવાનું વચન આપવામાં આવ્યું છે, જેમાં રસીના ઉત્પાદન માટેના કાચો માલ, વેન્ટિલેટર અને પીપીઈ કિટ વગેરેનો સમાવેશ થાય છે. અમેરિકાના વિવિધ સ્ટેટ દ્વારા પણ ભારતને સહાય મોકલવાનું આયોજન થયું છે, કેલિફોર્નિયાએ ઓક્સિજનના ઉત્પાદન સંકટનો સામનો કરવા માટે જરૂરી માલસામાનનો પુરવઠો પૂરો પાડવા માટે તેઓ યથાશક્તિ મદદ કરે છે, જ્યારે જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેન્દ્ર બોરાએ પણ જણાવ્યું છે કે ગર્વનરના આ કાર્યમાં અમે અમેરિકન-ભારતીયો સાથે છીએ.

(ફોટોઃ રાજેન્દ્ર વોરા, બેવર્લી હિલ્સ કાઉન્સિલના ડો જુલિયન ગોલ્ડ, યોગી પટેલ અને પરિમલ શાહનો સમાવેશ થાય છે.)

વિશ્વને કોરોનાના સંકટમાં મદદની જરૂર પડી ત્યારે કેલિફોર્નિયાના ગર્વનર ન્યુઝોમે સહાય કરી છે. રાજ્યમાં ૨૮ મિલિયનથી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે. ન્યુઝોમે જણાવ્યું છે કે ભારતમાં કોરોનાના રોગચાળાથી જે સંકટ સર્જાયું છે જેમાં જેની જરૂર છે- એ સાધનની કેલિફોર્નિયા સહાય પૂરી પાડશે. ગર્વનર ન્યુઝોમે અગાઉ મિશિગન, ન્યુ યોર્ક, ન્યુ જર્સી, ઇલિનોઇસ, મેરિલેન્ડ, નેવાડા અને ડેલાવરને વેન્ટિલેટર માટે લોન આપી હતી અને વેસ્ટ કોસ્ટનાં પડોશી રાજ્યોમાં પીપીઇની લાખો ચીજવસ્તુઓ પણ મોકલી હતી.

તેમણે ૨૭૫ ઓક્સિજન કોન્સેન્ટેટર્સ, ૪૪૦ ઓક્સિજન સિલિન્ડર, ૨૪૦ ઓક્સિજન રેગ્યુલેટર્સ, ૨૧૦ પલ્સ ઓક્સિમીટર ભારતને મોકલવા રવાના કર્યા છે. ગવર્નર ગેવિન ન્યુઝોમની સૂચનાની પહેલથી આ કાર્ય આરંભવામાં આવ્યું છે. ભારતને સહાય આપવાની આ માનવતાવાદી પહેલ અને કાર્યને અમેરિકામાં વસતા ભારતીય અગ્રણીઓએ બિરદાવ્યું છે. લેબોન હોસ્પિટલિટી ગ્રુપ તથા ઇન્ડિયન કલ્ચર એસોસિયેશનના સેક્રેટરી યોગી પટેલે ભારતીય અમેરિકનોને પણ આ સહાય મોકલવાના ગર્વનર ન્યુઝોમના સદકાર્યમાં જોડાવાની અપીલ કરી છે. ઇન્ડિયન કલ્ચર એસોસિયેશનના પ્રમુખ પરિમલ શાહે ભારતીય અમેરિકનોને અપીલ કરી છે કે ભારતમાં કોરોનાનો કેર છે, જેથી આપણે યથાશક્તિ મદદ કરવી જોઈએ.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]