રાજ્યના 10 જિલ્લાઓમાં પહેલી મેથી કોરોના રસીકરણઃ રૂપાણી

ગાંધીનગરઃ પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસીકરણ ઝુંબેશ શરૂ થશે. મુખ્ય પ્રધાન  વિજય રૂપાણીએ સોશિયલ મિડિયાના માધ્યમથી પ્રજાજોગ સંદેશ આપતાં જાહેરાત કરી છે કે પ્રથમ મેએ ગુજરાતના સૌથી વધુ કોરોના પ્રભાવિત જિલ્લાઓમાં રસીકરણ શરૂ થશે.

તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આવતી કાલથી યુવાનોના રસીકરણનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાતે ભારતના સ્વદેશી રસીના ઉત્પાદકોને અઢી કરોડ રસીના ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. આ સાથે રાજ્ય સરકાર સતત આ બંને કંપનીઓના સંપર્કમાં છે. આજે સાંજ સુધીમાં ત્રણ લાખ રસીના  ડોઝ હવાઈ માર્ગે ગુજરાત આવી રહ્યા છે અને આવતી કાલથી 10 જિલ્લાઓમાં યુવાનોના રસીકરણનો પ્રારંભ થશે.

રાજ્યના 10 જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં ગુજરાતના સ્થાપના દિવસે સવારે 9 વાગ્યાથી 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મે મહિના દરમિયાન ગુજરાતને રસીના 11 લાખ ડોઝ મળશે. હજુ વધુ જથ્થો પ્રાપ્ત થાય એ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમ-જેમ રસી ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુ ને વધુ જિલ્લાઓમાં યુવાનોના રસીકરણનો તબક્કાવાર આરંભ કરવામાં આવશેશે.

મુખ્ય પ્રધાન રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હશે, એ પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જેતે સેન્ટર પર જઈને તેમણે રસી લેવાની રહેશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]