કૃષિ-કાયદાઓમાં ખેડૂતોના હિતની જોગવાઈ છેઃ પરષોત્તમ રૂપાલા

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાએ વિવાદ સર્જ્યો છે. આ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના હજારો ખેડૂતો દિલ્હીના હદ વિસ્તારમાં 18 દિવસથી આંદોલન કરી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પરષોત્તમ રૂપાલાનું કહેવું છે કે, ખેડૂતો નવા લાગુ કરાયેલા કૃષિ કાયદાની અસર વિશે જોયા-જાણ્યા વિના વિરોધ કરે છે. કાયદામાં ખેડૂતોના હિતની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે સાત વખત ખેડૂતો સાથે વાટાઘાટો કરી છે.

એક વિડિયોમાં રૂપાલાએ કહ્યું કે ખેડૂતોએ નવા કાયદાના અમલીકરણની રાહ જોવી જોઈએ. કાયદા લાગુ કરાયા બાદ એના અનુભવ પરથી જો એમને લાગે કે એનાથી તેમને આર્થિક નુકસાન જઈ રહ્યું છે તો તેઓ એ વિશે ફેરવિચારણા કરવાનું ચોક્કસપણે કહી શકે. અમારી કૃષિ નીતિ સંપૂર્ણપણે ઉત્પાદન કેન્દ્રિત છે. ખેડૂતોની આવકની બાબત તેમાં ગાયબ હતી, જેનો નરેન્દ્રભાઈ મોદીની સરકારે ઉમેરો કર્યો છે.