૨૦,૦૦૦ કરોડનાં ગાંધીનગર મુલસાણા જમીન કૌભાંડ સામે જનમંચમાં ખેડૂતોનો આક્રોશ

ગાંધીનગરઃ આજરોજ ગાંધીનગર ખાતે જનમંચ કાર્યક્રમમાં વહિવટી અને સત્તાપક્ષની મિલીભગતથી ગાંધીનગર મુલસાણા ગામની 20,000 કરોડની રકમના જમીન કૌભાંડની ફરિયાદ કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો આવી પહોંચ્યા હતાં અને પોતાની વ્યથા ઠાલવી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, મહેસાણા જીલ્લાના સ્થાનિક ગ્રામ્ય આગેવાનો દ્વારા પણ ભાજપાના શાસનમાં લાખો હેક્ટર ગૌચરની જમીન પોતાના મળતિયા ભૂમાફિયા અને બિલ્ડરોને પધરાવી દઈ કરોડો રૂપિયાના જમીન કૌભાંડની લેખિત ફરિયાદો આપવામાં આવી છે.

ઉપરોક્ત કાર્યક્રમમાં જનમંચના પ્રણેતા અમિત ચાવડા દ્વારા ઉપરોક્ત ફરિયાદો સ્વીકારી આવનાર દિવસોમાં આ બાબતે સડકથી લઇ વિધાનસભા સુધી જન આંદોલન દ્વારા જમીન કૌભાંડને ઉજાગર કરી ખેડૂત અને ગણોતિયાના હક્ક અધિકાર માટે ન્યાયની લડાઈ લડી લેવાનું આહવાન કરવામાં આવ્યું છે. એમણે કહ્યું, ગાયમાતાના નામે ચરીને સરકારમાં આવેલા કૌભાંડીઓ ગૌચરની જમીન અને ગ્રામ્ય તળાવોની જમીન પચાવવાનું સુનિયોજિત ષડયંત્ર ચલાવી રહ્યા છે જેની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ અને તેનાં ધારાસભ્યો આપ સૌની આ લડાઈમાં આપની સાથે જ છે અને દોષિતોને ખુલ્લાં પાડી ન્યાય ન મળે ત્યાં સુધી લડવા તત્પર છે.

આ જનમંચ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (વડગામ), ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (વાવ), ધારાસભ્ય વિમલ ચુડાસમા (ગીર -સોમનાથ), ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ (લુણાવાડા), ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, ગુજરાત કિસાન કૉંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ અમિત નાયક ઉપસ્થિત રહ્યા હતાં.