સાણંદઃ વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓથી આજનો માણસ ઘેરાઈ રહ્યો છે તેવા સંજોગોમાં બાળમાનસમાં પર્યાવરણના જતનના સંસ્કાર રેડાય તેવા હેતુથી સાણંદસ્થિત સ્વૈચ્છિક સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે. યુવાનોના સહયોગથી ૧,૦૦,૦૦૦ જેટલા સીડબોલ બનાવી સાણંદ આસપાસ આવેલ પડતર જમીનમાં – ઝાંખરામાં મુકવાનું આયોજન હાથ ધરાયું છે. હાલના સમયમાં પર્યાવરણ ઉપર ખતરાની ઘંટડી વાગી રહી છે જેના પરિણામે માનવ સમાજ પર ઘાતક અસરો વર્તાઈ રહી છે ત્યારે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હાથ ધરાનારી આ ઝુંબેશ પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરશે.
માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી મનુભાઈ બારોટ કહે છે કે, “આજે પર્યાવરણની સમસ્યા વિકરાળ બની છે. ભવિષ્યમાં પણ આ ખતરાની ઘંટીને ઓળખી માનવ સફાળો જાગશે નહીં તો વિપરિત પરિણામો ભોગવવા પડશે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને માનવ સેવા ટ્રસ્ટે ‘પર્યાવરણ બચાવો’ ઝુંબેશ શરૂ કરી છે. ૧,૦૦,૦૦૦ સીડ બોલ બનાવી પર્યાવરણ રક્ષક બનવાની પહેલ કરી છે. વૃક્ષો આપણા માટે સર્વસ્વ છે. વૃક્ષ હશે તો જ આપણું અસ્તિત્વ ટકી રહેશે, એ પણ એટલું જ સત્ય છે. આગામી પેઢી પણ પર્યાવરણ બચાવવાની ઝુંબેશમાં સક્રિય યોગદાન આપવા સહયોગી બને તે સમયની માંગ છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
આગામી સમયમાં સાણંદના અન્ય વિસ્તારમાં પણ સીડબોલનો પ્રયોગ મોટા પાયે કરવાનું વિચારાઈ રહ્યું હોવાનું મનુભાઈ કહે છે. સાણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ બાવળના જંગલમાં ૧ લાખ સીડબોલમાં લીંબોળી, કણજી, પેલ્ટોફાર્મ, ગુલમહોર, બાવળ વગેરેના બી વાળા માટીના દડા નાખવાનું કાર્ય હાલ ચાલુ છે. કુદરતનો એવો ક્રમ છે કે જો બીજને માટી, ગરમી અને ભેજ મળી રહે તો તે આપો-આપ ભીંતમાં ઉગી નીકળતા પીપળાની જેમ ઉગી જાય છે. જો માત્ર થોડા જ બીજ ઉગી નીકળશે તો પણ આ મહેનત રંગ લાવી દેશે એમ મનુભાઈ વધુમાં કહે છે.