સાયન્સ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ઈ-વર્કશોપનું આયોજન

અમદાવાદઃ સાયન્સ સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં સાયન્સ પ્રત્યેના રસને પ્રોત્સાહન આપવાના હેતુથી ૮થી ૧૨ જૂન દરમિયાન ૧૪થી ૧૬ વર્ષના વિદ્યાર્થીઓ માટે ચાર ઈ-વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિઝિકસ, બાયોલોજી, કેમેસ્ટ્રી અને મેથ્સ પર ઈ-વર્કશોપ યોજવામાં આવી હતી. વિવિધ વિષય પર યોજાયેલી આ ઈ-વર્કશોપ આશરે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન નિહાળી હતી.

ફિઝિક્સના વર્કશોપમાં શ્રીજી એજ્યુકેશનનાં સ્થાપક કુ. પ્રીતિ અમિત શેઠિયાએ ઈ-વર્કશોપમાં લાઇટ, મિરર અને લેન્સિસ વિશે રસપ્રદ માહિતી આપી હતી. ૫૦થી વધુ વિદ્યાર્થીઓ આ ઈ-વર્કશોપમાં જોડાયા હતા. નવ જૂને વન્ડર ઓફ કેમેસ્ટ્રી પર યોજાયેલી ઈ-વર્કશોપમાં ગાંધીનગરની પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ઋત્વિક મજેઠિયાએ કેટલાક પ્રયોગો બતાવ્યા હતા. તેમણે કોટનના લાલ દોરાને લીંબુના રસમાં બોળી સાઇટ્રિક એસિડની અસરથી લાલ રંગ કેવી રીતે કાળો પડી જાય છે એ બતાવ્યું અને આ સરળ કેમિકલ રિએક્શનને લોકો અંધશ્રદ્ધા સાથે જોડે છે- એ જણાવ્યું હતું.

૧૦ જૂને યોજાયેલી બાયોલોજી વર્લ્ડ થ્રૂ ટેક્નોલોજી પરની ઈ-વર્કશોપમાં ગુજરાત યુનિવસિર્ટીના વિઝિટિંગ ફેકલ્ટી ડો. પૂજન એન. પંડ્યાએ બાયોલોજીનો મૂળભૂત કોન્સેપ્ટ સમજાવ્યો અને  કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં એ કેવી રીતે ઉપયોગી છે, એ સમજાવ્યું. ૪૫થી વધુ વિદ્યાર્થીઓ આ ઈ- વર્કશોપમાં જોડાયા હતા.

મેથ્સ મેજિક પર ૧૨ જૂને ઈ-વર્કશોપ યોજાયો, જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નિરમા યુનિવસિર્ટીના ડો. મુમુક્ષુ ત્રિવેદીએ ટેક્નોલોજી, મેડિસિન, ફાઇનાન્સ જેવાં ક્ષેત્રોમાં જટિલ પ્રશ્નોનું સમાધાન ગણિત દ્વારા કેવી રીતે લાવી શકાય-એ સમજાવ્યું. ૪૦ જેટલા વિદ્યાર્થીઓ આ ઇન્ટરેક્ટિવ સેશનમાં જોડાયા હતા.